ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો ગોથે ચડ્યાં, કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EC Guidelines Spark Confusion in Gujarat: ગુજરાતમાં હાલમાં મતદાર યાદી સુધારણા અભિયાન (SIR) પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે. સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા-પિતા, દાદા-દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે, જેના પુરાવા તરીકે 'કુટુંબ રજિસ્ટર'ને માન્ય દસ્તાવેજ ગણવામાં આવ્યું છે.
કુટુંબ રજિસ્ટર ક્યાંથી લાવવું?
ચૂંટણી આયોગે માન્ય દસ્તાવેજોની જે યાદી તૈયાર કરી છે, તેમાં 'કુટુંબ રજિસ્ટર'નો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ મુદ્દે સવાલ ઊભા થયા છે. ગુજરાતમાં પેઢીનામું તો દસ્તાવેજ તરીકે અમલમાં છે, પરંતુ કુટુંબ રજિસ્ટર કોઈ સરકારી વિભાગ દ્વારા નિભાવવામાં આવતું નથી. આ સંજોગોમાં મતદારો મૂંઝવણમાં મૂકાયા છે કે માન્ય દસ્તાવેજ તરીકે 'કુટુંબ રજિસ્ટર' લાવવું ક્યાંથી. રાજ્ય ચૂંટણી પંચ કુટુંબ રજિસ્ટરની વ્યાખ્યા સ્પષ્ટ કરે અને પેઢીનામાને માન્ય દસ્તાવેજ તરીકે ગણવામાં આવે તેવી માંગણીઓ ઊઠી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત
કામગીરીમાં વિલંબ અને અન્ય ફરિયાદો
મતદાર યાદી સુધારણાની કામગીરીમાં વિલંબ અને અન્ય ટેકનિકલ સમસ્યાઓ પણ સામે આવી છે. ઘણાં વિસ્તારોમાં હજુ સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) ફોર્મ વહેંચી શક્યા નથી, જેથી મતદારો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને ફોર્મ મળ્યા નથી. મતદારોને 2002ની મતદાર યાદીમાં નામ શોધવાને લઈને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે ત્યારે પ્રત્યેક વિધાનસભા બેઠકમાં મતદારોની સંખ્યામાં મોટો ઉલટફેર જોવા મળશે, જેને કારણે રાજકીય પક્ષો અને ધારાસભ્યો પણ આ કામગીરીમાં સક્રિય થયા છે.









