Gujarat

કચ્છમાં અષાઢી બીજના નવા વર્ષે જ ધરા ધ્રુજી: ઉપરાઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાયા, ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અષાઢી બીજના પાવન પર્વે જ ધરતી ધ્રૂજી ઉઠી હતી. ગુરુવારે બપોરે માત્ર 3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 ઉપરાછાપરી આંચકા અનુભવાયા. પ્રથમ આંચકો 2:20 વાગ્યે ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો, જ્યારે બીજો આંચકો 2:22 વાગ્યે ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. લોકો ભયભીત થઈ ઘરની બહાર દોડી આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છમાં અષાઢી બીજના નવા વર્ષે જ ધરા ધ્રુજી: ઉપરાઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાયા, ધોળાવીરાથી 32 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

Kutch Earthquake : ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ગુરુવારે બપોરે માત્ર 3 મિનિટના ગાળામાં ભૂકંપના 2 ઉપરાછાપરી આંચકા અનુભવાયા હતા. ખાસ વાત એ છે કે, આજે અષાઢી બીજ એટલે કે કચ્છી સમુદાયના નવા વર્ષના પાવન પર્વે જ ધરતી ધ્રૂજી ઊઠતાં તહેવારના માહોલ વચ્ચે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બપોરના સમયે અચાનક આવેલા આ કંપનને કારણે લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.

પ્રથમ આંચકો ખાવડા નજીક નોંધાયો

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2:20 વાગ્યે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ઉત્તર-પૂર્વ દિશામાં આશરે 32 કિલોમીટર દૂર જમીનની અંદર નોંધાયું હતું.

માત્ર 2 મિનિટ બાદ ધોળાવીરામાં બીજો આંચકો

પહેલા આંચકાના માત્ર 2 મિનિટ બાદ એટલે કે બપોરે 2:22 વાગ્યે ફરી એકવાર ધરતી ધ્રૂજી હતી. આ બીજો આંચકો ઐતિહાસિક પ્રવાસન સ્થળ ધોળાવીરા નજીક નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 32 કિલોમીટર દૂર હતું.

સદનસીબે જાનમાલનું કોઈ નુકસાન નહીં

રાહતની વાત એ છે કે બંને આંચકા મધ્યમ તીવ્રતાના હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ જાનહાનિ કે કોઈ મોટી ઇમારતને નુકસાન થયાના અહેવાલ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

ભૂકંપની દ્રષ્ટિએ કચ્છ અતિ સંવેદનશીલ

ભૂગોળની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારતના સૌથી સંવેદનશીલ ગણાતા 'ભૂકંપ ઝોન-5' માં આવે છે. આ વિસ્તારમાં જમીનની અંદર પ્લેટોની હલચલને કારણે સમયાંતરે હળવાથી મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહે છે.