Get The App

જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામગીરીમાં વિક્ષેપ

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામગીરીમાં વિક્ષેપ 1 - image

Jamnagar : જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનચાલકો અને તેમના સાગરિતોએ બસ રોકાવી ડ્રાઇવરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

ફરિયાદ મુજબ એસ.ટી. બસ દિગ્જામ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટુવ્હીલર વાહનચાલકે સતત હોર્ન વગાડી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ તેણે બસ આગળ વાહન ઊભું રાખી બસ રોકાવી હતી. ત્યારબાદ ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન નજીકમાં આવેલી એક ફોરવ્હીલ કારમાંથી ચાર વ્યક્તિઓ પણ આવી પહોંચી હતી અને તેઓએ પણ ડ્રાઇવર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. હુમલાખોરોએ બસનો આગળનો કાચ પથ્થર મારી તોડી નાખ્યો હતો. કાચના ટુકડાઓ વાગતાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સરકારી ફરજમાં વિક્ષેપ, સરકારી કર્મચારી પર હુમલો, જાહેર મિલકતને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ અંગે સીટી "સી" ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. સૌપ્રથમ એક્સેસ મોટરસાયકલમાં એક વ્યક્તિ આવી હતી જેના નંબરો મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે જી.જે. 10 ઇ.એચ. 1986 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અન્ય આરોપીઓ આવ્યા હોવાથી તે કારના નંબરના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.