Get The App

વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા

ચાર કોમર્શિયલ પ્લોટના વેચાણથી કોર્પોરેશનને રુપિયા ૫૯૬ કરોડ આવક થશે

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક પરિસ્થિતિની અસર પડતા અમદાવાદ મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પૈકી ૪ પ્લોટ વેચાયા 1 - image

     

  અમદાવાદ,સોમવાર,11 મે,2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંધર્ષની વૈશ્વિક કક્ષાએ પ્રતિકૂળ  અસર જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બાકાત નથી. મ્યુનિ.એ વેચવા કાઢેલા ૧૯ પ્લોટ પૈકી ચાર  કોમર્શિયલ પ્લોટ વેચાતા તંત્રને રુપિયા ૫૯૬ કરોડની આવક થશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સેલ ફોર રેસિડેન્ટ અને સેલ ફોર કોમર્શિયલ હેતુ ધરાવતા ૧૯ પ્લોટનુ ઈ-ઓકશન ચારથી આઠ મે દરમિયાન યોજાયુ હતુ.આ પૈકી બોડકદેવના ત્રણ કોમર્શિયલ તથા નિકોલના એક કોમર્શિયલ પ્લોટ જ વેચી શકાયા હતા.બોડકદેવ વોર્ડમાં ટી.પી.સ્કીમ. નંબર-૫૦ના ૮૧૬૭ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે અપસેટ વેલ્યુ પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૫૨ લાખ રાખવામા આવી હતી.જે સામે પ્રતિ ચોરસમીટર રુપિયા ૨,૫૨,૧૦૦ની ઓફર શિલ્પ ઈન્ફ્રા પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આપવામા આવી હતી. આ પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૨૦૫.૮૯ કરોડની આવક થશે.આ જ વોર્ડમાં ૫૦૫૮ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા એક અન્ય પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૫૨ લાખ અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી.જે સામે પ્રતિ ચોરસમીટર રુપિયા ૩,૧૬,૧૧૧ની ઓફર સોહમ એન્ટરપ્રાઈસ તરફથી કરવામા આવી હતી. આ પ્લોટના વેચાણથી કોર્પોરેશનને રૃપિયા ૧૫૯.૮૮ કરોડની આવક થશે. બોડક દેવ વોર્ડમાં ૭૫૭૭ ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૯૦ લાખ અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી. જેની સામે નિરમા લિમિટેડ દ્વારા પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૯૩ લાખની ઓફર કરાઈ હતી. આ પ્લોટના વેચાણથી તંત્રને રુપિયા ૨૨૨ કરોડની આવક થશે.નિકોલમાં ટી.પી.સ્કીમ નંબર-૧૦૩માં ૧૦૮૫ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતા પ્લોટના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૭૫ હજાર અપસેટ વેલ્યુ રાખવામા આવી હતી.ડીએમઆઈસીસી હોસ્પિટલ દ્વારા પ્રતિ ચોરસ મીટર રુપિયા ૭૫,૧૦૦ની ઓફર કરવામા આવી હતી. આ પ્લોટના વેચાણથી મ્યુનિ.ને રુપિયા ૮.૧૪ કરોડ આવક થશે.