Gujarat

ભાજપના કોર્પોરેટરો સામે લોકોના આક્રોશના કારણે ૪૧ કરોડના સિમેન્ટ રોડના કામ મારુતિ, બી.આર.ગોયલ પાસેથી પરત લઈ લેવાયા

By GS TEAM
31 Oct 20252 mins read
ભાજપના કોર્પોરેટરો સામે લોકોના આક્રોશના કારણે  ૪૧ કરોડના સિમેન્ટ રોડના કામ મારુતિ, બી.આર.ગોયલ પાસેથી  પરત લઈ લેવાયા

અમદાવાદ,શુક્રવાર,31 ઓકટોબર,2025

અમદાવાદના અલગ અલગ વોર્ડમાં સિમેન્ટના રોડ બનાવવાની ધીમી કામગીરીના કારણે ભાજપના જે તે વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોને લોકોના આક્રોશનો ભોગ બનવુ પડતુ હોવાની રજૂઆત થઈ હતી.રોડ કમિટીએ મારુતિ કન્સ્ટ્રકશન અને બી.આર.ગોયલ નામના બે કોન્ટ્રાકટરો પાસેથી રુપિયા ૪૧ કરોડના ૧૨ સિમેન્ટના રોડના કામ પરત લઈ સર્જન કન્સ્ટ્રકશનને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે.કોન્ટ્રાકટર બી આર ગોયલ મુળ મધ્ય પ્રદેશના છે. અમદાવાદમાં તેનો રોડ મટીરીયલનો કોઈ પ્લાન્ટ નથી આમ છતાં ભાજપના હોદ્દેદારોએ ચાર વર્ષ સુધી આ કોન્ટ્રાકટરને કરોડો રુપિયાના સિમેન્ટના રોડના કામ કરવા મંજૂરી આપી હતી.

રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે કહયુ, આ બંને કોન્ટ્રાકટરોએ સિમેન્ટના રોડની કામગીરીમાં તેઓ પહોંચી વળતા નહીં હોવાની રજૂઆત કરી હતી. ઉપરાંત બી.આર. ગોયલનુ અમદાવાદ ખાતે રોડ માટે કોઈ આયોજન જ નથી. અમદાવાદ આવે પછી મટીરીયલ મંગાવીને સિમેન્ટના રોડની કામગીરી કરાતી હતી. કામગીરી ધીમી થવાથી લોકોના રોષનો અમારા કોર્પોરેટરોને ભોગ બનવુ પડતુ હતુ. આ કારણથી હવે પછી આ બંને કોન્ટ્રાકટરોને સિમેન્ટના રોડના કામ આપવામા આવશે નહીં.શહેરના અલગ અલગ વિસ્તારમા સિમેન્ટના રોડ બનાવવા મારુતિ કન્સ્ટ્રકશનને આપવામા આવેલા રુપિયા ૫૩ કરોડના ૧૬ કામ પૈકી ૨૬.૧૩ કરોડના ૭ કામ સર્જન કન્સ્ટ્રકશનને આપી દેવાયા છે. બી.આર.ગોયલને રુપિયા ૫૧.૧૧ કરોડના આપવામા આવેલા ૧૩ કામ પૈકી ૧૫.૨૮ કરોડના પાંચ કામ પણ સર્જન કન્સ્ટ્રકશનને આપવાનો નિર્ણય કરાયો છે.

ભાવ તફાવતની રકમ બે કોન્ટ્રાકટર પાસેથી વસૂલાશે

સિમેન્ટના  રુપિયા ૪૧ કરોડના ૧૨ કામ મારૃતિ તથા બી આર ગોયલ નામના કોન્ટ્રાકટર પાસેથી પરત લઈ સર્જન કન્સ્ટ્રકશનને સોંપાયા છે. સર્જન કન્સ્ટ્રકશન વર્તમાન ભાવ મુજબ કામગીરી કરશે. જયારે બે કોન્ટ્રાકટરોને એક વર્ષ અગાઉના ભાવથી રોડની કામગીરી અપાઈ હતી. આ કારણથી જે ભાવ તફાવતની રકમ ચૂકવવાની આવશે તે જે કોન્ટ્રાકટરો પાસેથી કામગીરી પરત લેવાઈ છે તેમની પાસેથી વસૂલ કરાશે.

બે કોન્ટ્રાકટરોની બેદરકારીથી કયા રોડ ફરી બનાવવા પડયા

રોડનુ નામ                         ખર્ચ(કરોડમાં)                  કોન્ટ્રાકટર

ગુરુકુળ રોડ                         ૧૧.૦૦                     બી.આર.ગોયલ

રાહુલ ટાવરથી સ્ટારબજાર સુધી     ૧૧.૪૧            બી.આર.ગોયલ

સુપર સ્કૂલથી સંસ્કૃત એપાર્ટમેન્ટ    ૧.૫૪              બી.આર.ગોયલ

ગોમતીપુર ફાયર સ્ટેશનથી

ભગતસિંહ હોલ સુધી                   ૨.૫               મારુતિ કન્સ્ટ્રકશન