Get The App

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

વહેલી સવારે એમ.જી.રોડ પર અકસ્માત કરનાર યુવક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી 1 - image

વડોદરા,શહેરના માર્ગો સામાન્ય નાગરિકો માટે સલામત નથી. રાત્રે તો ઠીક વહેલી સવારે અને બપોરે પણ નશેબાજ વાહનચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.  વહેલી સવારે નશેબાજ વાહનચાલકે એમ.જી. રોડ પર વૃદ્ધાને કચડી નાખતા મોત થયું છે. સિટિ  પોલીસે અકસ્માત કરનાર આરોપીને ઝડપી પાડયો છે. જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહતું.

આજે વહેલી સવારે સવા ચાર વાગ્યે માંડવીથી ન્યાયમંદિર તરફ જવાના રોડ પર અજાણ્યા વાહન ચાલકે ૭૫ વર્ષની વૃદ્ધાને ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું  હતી. અકસ્માત પછી કારચાલક અને તેની  સાથે કારમાં બેઠેલા યુવકો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. લોકો ટોળે વળતા કારનો  પીછો કર્યો હતો.સ્થાનિક આગેવાનોએ નજીકની દુકાનો  ખોલાવી સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા હતા. જેના આધારે પોલીસ કારમાલિકના ઘરે પહોંચી હતી. કાર માલિકે પોલીસને જણાવ્યું હતું કે, મેં આ કાર હિતેનરાજેશભાઇ રાજપૂત, ઉં.વ.૨૫ (રહે. શરદનગર,તરસાલી)ને આપી હતી. જેથી,પોલીસ  હિતેનની ત્યાં પહોંચી હતી. હિતેન ઘરે મળી આવતા પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.તેણે દારૃનો નશો કર્યો હોઇ  પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. તેની સાથે કારમાં બેઠેલા તેના મિત્રો  ધુ્રવ નિમીતભાઇ પરમાર (રહે. શરદ નગર, તરસાલી) તથી યોગેશ નારાયણભાઇ રાજપૂત (રહે. ટીચર્સ કોલોની, તરસાલી) પણ ઘરેથી મળી આવ્યા હતા. તેઓએ પણ નશો કર્યો  હોઇ પોલીસે તેઓની સામે પણ અલગથી ગુના દાખલ કર્યા છે. પોલીસે  હાથ ધરેલી પૂછપરછમાં હિતેન  ફોટોગ્રાફર  હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અકોટા વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાંથી ત્રણેય મિત્રો નાસ્તો કરવા માટે ચોખંડી આવ્યા હતા અને ત્યાંથી પરત જતા સમયે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનાર વૃદ્ધાની  હજી ઓળખ થઇ નથી.

લગ્ન પ્રસંગમાં જતા પિતરાઇ ભાઇઓને અકસ્માત ઃ એકનું મોત

અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણના મોત

વડોદરા,

લગ્ન પ્રસંગમંાં જતા પિતરાઇ ભાઇઓની બાઇક સ્લિપ થઇ જતા એકનું મોત થયું હતું. શહેરમાં અલગ - અલગ ત્રણ બનાવમાં ત્રણના મોત થયા છે.

કરજણ તાલુકાના માંગરોલ ગામે રહેતો  વિપુલ રમેશભાઇ વસાવા( ઉં.વ.૨૧) તથા પિતરાઇ ભાઇ સમીર મહેશભાઇ વસાવા (ઉં.વ.૧૮)  ગત ૨૬ મી તારીખે રાત્રે સવા દશ વાગ્યે  લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળ્યો હતા. તરસાલી બ્રિજ પરથી બાઇક લઇને જતા હતા. તે દરમિયાન બાઇક સ્લિપ થઇ જતા વિપુલ  તથા સમીર વસાવાને ઇજા થઇ હતી. સારવાર દરમિયાન સમીર વસાવાનું આજે વહેલી સવારે મોત થયું છે.

દંતેશ્વર ગ્યાનનગરમાં રહેતા ભાનુબેન ગોવિંદભાઇ બારિયા (ઉં.વ.૬૭) ગત ૨૭ મી તારીખે બપોરે ૧૨ વાગ્યે બરોડા ડેરી ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન મકરપુરા તરફથી આવતા બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજા થતા  આજે સવારે સાડા છ વાગ્યે તેઓનું મોત થયું  છે.

હાલોલ નજીકના બાસકા ગામે રહેતા ૬૦ વર્ષના આદમ હસનભાઇ ઓડ તથા દશરથમાં રહેતા ૨૫ વર્ષના વિવેક અશોકભાઇ  પંચાલને  આજે સવારે  ૯ વાગ્યે આજવારોડ દરજીપુરા પાસે ટુ વ્હિલર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન આદમભાઇનું મોત થયું છે.

મોડીરાત્રે એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ જીપ ચાલક અને બે મિત્રો ઝડપાયા

વડોદરા,

મોડીરાત્રે સાડા બાર વાગ્યે એરપોર્ટ સર્કલ  પાસેથી નશાની હાલતમાં જીપ લઇને જતા ચાલકને લોકોએ ઝડપી પાડયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ત્યાં  પહંોચી ગઇ હતી. કાર ચાલક કેપીસિંગ મૂલસિંગ રાજપૂત તથા પાછળની સીટ પર બેઠેલા રામુ મનોજભાઇ શર્મા અને સુનિલ મહેન્દ્રભાઇ સેરીયા ( ત્રણેય રહે. રામદેવ નગર - ૧ , આજવારોડ) દારૃના નશામાં હોઇ હરણી પોલીસે ત્રણેયની સામે ગુનો દાખલ કર્યો છે.



ન્યુ વી.આઇ.પી. રોડ પર રોડ ક્રોસ કરતા દંપતીને ટક્કર મારી કારચાલક ફરાર

 વડોદરા,

ન્યુ વી.આઇ.પી. રોડ સીતારામ નગર વ્હાઇટ વુડાની સામે બ્રહ્માનગરની બાજુમાં રહેતા શ્રમજીવી કનુભાઇ ચુનીલાલ મારવાડી તથા તેમના પત્ની કમલાબેન ગઇકાલે બપોરે સવા બે વાગ્યે બ્રહ્માનગર  પાસે રોડ ક્રોસ કરતા  હતા.તે દરમિયાન એક કારચાલક દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા ંતેઓની હાલત સુધારા પર છે.અકસ્માત કરીને હાઇવે તરફ ભાગી ગયેલા વાહન ચાલકનો એક રાહદરીએ બાઇક પર પીછો કરી તેનો નંબર લઇ લીધો હતો. જેના આધારે હરણી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.