Gujarat

ડ્રગનો વ્યસની બન્યો વિક્રેતા: રાજકોટમાં ખતરનાક મેફેડ્રોન સાથે યુવાન ગિરફ્તાર

By GS TEAM
8 Oct 20252 mins read
ડ્રગનો વ્યસની બન્યો વિક્રેતા: રાજકોટમાં ખતરનાક મેફેડ્રોન સાથે યુવાન ગિરફ્તાર

યુવાનો ચેતજો : આ ડ્રગ ભૂલથી 1- 2 વાર લો એટલે કાયમ બંધાણી : યુવાનોને પહેલા વ્યસની બનાવી પછી ડ્રગ વેચતા કરી દેવાનું કારસ્તાન : શહેરમાં ડ્રગ સપ્લાય નકલી નામ, નંબરથી: SOG દ્વારા સઘન તપાસ

રાજકોટ, : રાજકોટમાં દિવાળી તહેવારો પૂર્વે યુવાનોને બરબાદ કરતા ખતરનાક મેફેડ્રોન ડ્રગ સાથે મુકેશ સુગનામલ વસનાણી (ઉ. 45 રહે.રિધ્ધિ સિધ્ધિ સોસાયટી શેરી નં.4, દુધસાગર રોડ, રાજકોટ અને હાલ રહે.ગોપાલ હોટેલ, ગૌરીદડ-મોરબી રોડ) નામના હોટલમાં વેઈટર તરીકે નોકરી કરતા યુવાનને  સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ પોલીસે આજે અતિ માદક અને ખતરનાક એવી રૂ।.86,300ની કિંમતની 8.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી લીધો છે. આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત તો એક ગ્રામના રૂ।.20થી 25,000 હજાર એટલે કે સોના કરતા પણ મોંઘી મનાય છે. 

પોલીસસૂત્રો અનુસાર એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શનમાં આજે બાતમીના આધારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ગુરૂવરદ એપાર્ટમેન્ટ પાસે રોડ પરથી આરોપીને ઝડપી લેવાયો હતો અને એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પાસેથી મોબાઈલ કબજે કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે આ યુવાને અગાઉ શોખ ખાતર ડ્રગનું સેવન કરતા તેનો ચૂસ્ત બંધાણી બની ગયો હતો અને આ મોંઘીદાટ  દવા ખરીદવા નાણાં ખુટતા તેણે ડ્રગનું વેચાણ શરૂ કરી દીધું હતું. તેણે જંગલેશ્વરમાંથી ડ્રગ લાવ્યાનું જણાવ્યું છે પરંતુ, પોલીસ સૂત્રો અનુસાર ડ્રગ સપ્લાયરો તેમના નામ,નંબર ખોટા આપતા હોય છે જે અંગે તપાસ હાથ ધરાઈ છે. આ પહેલા આ શખ્સ બજરંગવાડીમાં એક સપ્લાયર પાસેથી ડ્રગ ખરીદી હતી અને તે વિસ્તારનો જમાલ નામનો શખ્સ પકડાયા બાદ સ્થળ બદલાયું હતું.

2 માસ પહેલા જ રાજકોટમાં SOG દ્વારા 300 ગ્રામ (રૂ।.૩૦ લાખના) મેફેડ્રોન ડ્રગ પકડી પાડયું હતું. ગત માત્ર 4 માસમાં જ રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા 10 શખ્સોને પાસા જેવા પીટ એનડીપીએસ હેઠળ જેલહવાલે કર્યા છે. 

એસઓજીના પી.આઈ.એ વધુમાં જણાવ્યું કે મેફેડ્રોન ડ્રગ એટલી માદક છે કે કોઈ યુવાન ભૂલથી અજાણતા એકાદ-બે વાર તેનું સેવન કરી લે તો તેના વગર તેને ચાલતું નથી અને તેનો બંધાણી થાય છે જે શરીર-મન માટે ઘાતક છે. આથી વાલીઓ અને યુવાનોએ ચેતવાની અને આવી ડ્રગ વેચાતી હોય તો તુરંત ક્રાઈમ બ્રાન્ચ કે એસ.ઓ.જી.નો સંપર્ક સાધવા પણ જણાવાયું છે. 

મેફેડ્રોનના અનેક હુલામણા નામ, : રાજકોટમાં બૂક તરીકે ઓળખાય છે

રાજકોટ, : મિથાઈલમેથકેથિનોન અર્થાત્ મેફેડ્રોન નામની આ ઘાતક ડ્રગ વ્યસનીઓ,સપ્લાયરોમાં મ્યાંઉ મ્યાઉ, એમ.ડી., એમ-કેટ, ડ્રોન, વ્હાઈટ મેજિક, બબલ્ક વગેરે વિવિધ નામે ઓળખાય છે. રાજકોટ પોલીસ અનુસાર શહેરમાં તે બૂક નામથી ઓળખાય છે.