Gujarat

રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ

By GS TEAM
19 Mar 20262 mins read
રોંગ સાઈડ કાર ચલાવી અકસ્માત સર્જનાર ચાલકને ત્રણ મહિનાની જેલ

ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર આર્મી કેમ્પ પાસે

વર્ષ-૨૦૨૦માં થયેલી ઘટનામાં ગાંધીનગરના ૬ઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટનો ચુકાદો

ગાંધીનગરગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર આર્મી કેમ્પ પાસે છ વર્ષ અગાઉ રોંગ સાઈડમાં કાર ચલાવીને અન્ય કાર સાથે અકસ્માત સર્જનાર ચાલકને ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવીને ૩ મહિનાની કેદની સજાનો હુકમ કર્યો છે અને ૧૫ હજાર રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

આ કેસ સંદર્ભે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર ૩-સી ખાતે રહેતા કિરીટકુમાર પ્રિયદર્શી ગત ૧૩ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ તેમની કાર લઈને ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આર્મી કેમ્પ પાસે રોંગ સાઈડમાં કાર લઈને આવતા બોરીજના ચંદન દ્વારીકાદાસ શર્મા દ્વારા તેમની કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને આ અકસ્માતમાં કિરીટકુમારને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી. જે સંદર્ભે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીમતી એકતા કુંવર ચંદ્રાવતની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જ્યાં સરકાર પક્ષે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પુનિતાબેન હેમંત ત્રિવેદીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, હાલના સમયમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જો આવા ગંભીર ગુનાઓ સામે નિયંત્રણ રાખવામાં નહીં આવે તો નિર્દોષ નાગરિકોની સલામતી જોખમાશે. સમાજમાં એક સારો દાખલો બેસે અને લોકો કાયદાનું પાલન કરતા થાય તે માટે આરોપીને સખત સજા થવી જોઈએ. જેના પગલે કોર્ટ દ્વારા આરોપીને ૩ મહિનાની સજા અને પંદર હજાર રૃપિયાનો દંડ ફટ કરવામાં આવ્યો હતો.