Gujarat

સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો

By GS TEAM
5 Nov 20251 min read
સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં   લાઇટ જતા ડોક્ટરોને ટોર્ચની મદદથી સારવાર કરવાનો વારો

 વડોદરા,સયાજી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે શરૃ કરાયેલા એ.સી. વોર્ડમાં આજે વીજ  પુરવઠો ખોરવાયો હતો. જનરેટર નહીં હોવાથી ડોક્ટરોને બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરવી પડી હતી.

શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મધ્ય ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના દર્દીઓ  પણ સારવાર માટે મોટી સંખ્યામાં આવે છે.  દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે તાજેતરમાં જ   લાભ પાંચમના  દિવસે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરીને ૧૬ બેડના નવા એ.સી. વોર્ડની શરૃઆત કરવામાં આવી હતી. ઉતાવળા આયોજનના પગલે વોર્ડ તો શરૃ કરી દેવાયો પણ કેટલીક ખામીઓ  રહી જતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને હાલાકી ભોગવવાના વોરા આવ્યો છે. એ.સી. વોર્ડમાં લાઇટ જાય તો બેક અપ માટે જનરેટર મૂકવામાં આવ્યું નથી. તેના કારણે આજે જ્યારે વીજ પુરવઠો ખોરવાઇ ગયો ત્યારે વોર્ડમાં દાખલ દર્દીઓની સારવાર માટે ડોક્ટર અને સ્ટાફને ટોર્ચનો સહારો લેવો પડયો હતો. જોકે, ૧૦ મિનિટમાં વીજ  પુરવઠો આવી જતા પરિસ્થિતિ થાળે પડી હતી.