સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવાદ વકર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના ગોરાટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર-નેતાને ભગાડ્યા બાદ ઉમેદવાર અને ટેકેદારો સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. આ મામલો શાંત પડે તે પહેલાં ઘટના માટે ભાજપના વિવાદીત ઉમેદવાર કે ટેકેદાર નહીં પણ સ્થાનિકો જવાબદાર હોવાનો વીડિયો વાઈરલ થતા સ્થાનિકોમાં ઉમેદવાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારને શાંત અને મહિલા- સ્થાનિકોને માહોલ ભડકાવતા હોવાનો આરોપ સાથેના વીડિયો બાદ સ્થાનિકોમાં ભાજપના વિવાદીત ઉમેદવાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક
સુરતના રાંદેર વોર્ડ નંબર 11ના ગોરાટમાં 21 એપ્રિલ, 2026ના રોજ ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા ગયા હતા, ત્યારે જયશ્રી રામના નારા સાથે ગો બેક કહીને નેતાઓ-ઉમેદવારોને ભગાડ્યા હતા. આ સમગ્ર મામલો ભાજપના વિવાદીત ઉમેદવાર હર્ષ મહેતા અને તેમના ટપોરી સ્ટાઇલ સમર્થકોને કારણે થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. આ બબાલ બાદ સીસીટીવી ફુટેજ ફરતા થયા તેમાં સ્થાનિક મહિલાને ધક્કો મારતા નજરે પડે છે.
ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવાદ
સ્થાનિકો આક્ષેપ કરે છે કે, હર્ષ મહેતાએ ધક્કો માર્યો અને તેમના સમર્થકોએ સોસાયટીના લોકો સાથે દાદાગીરી કરી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ માંગણી કરી છે કે, ભાજપના આ ઉમેદવાર માફી માગે.
તો બીજી તરફ મામલો થાળે પાડવાના બદલે સમગ્ર ઘટનામાં ભાજપના વિવાદીત ઉમેદવાર હર્ષ મહેતા નિર્દોષ છે અને સ્થાનિકોએ ખોટો હોબાળો મચાવ્યો હોવાના ખુલાસા સાથેનો એક વીડિયો વાઈરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, 'સ્થાનિકો માહોલ ગરમ કરે છે અને હર્ષ શાંતિથી ઉભો છે. એક મહિલા અપશબ્દ બોલતા હાથમાં ચપ્પલ લઈ હર્ષ પર હુમલો કરવા આવે છે, ત્યારે પણ તેઓ શાંત રહે છે. મહિલાને ધક્કો મારવાની વાત પણ ખોટી છે. આ ધક્કો હર્ષ મહેતા કે તેમને સમર્થકોએ નહીં પરંતુ સોસાયટીના લોકોએ જ માર્યો છે.' આ વીડિયો વાઈરલ થતાં ગોરાટ વિસ્તારમાં માંડ શાંત પડેલો માહોલ ફરી ગરમાયો છે અને હવે સ્થાનિકો લડી લેવાના મૂડમાં હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા, પોલીસ બોલાવવી પડી
શું છે સમગ્ર મામલો?
સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો કરતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.








