Gujarat

મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

By GS TEAM
24 Apr 20261 min read
મહાપાલિકાની ચૂંટણી લડવામાં નિરુત્સાહ, 61 ઉમેદવાર ઘટયાં

2021 માં ૨૧૧ ઉમેદવાર હતા, આ વખતે માત્ર ૧૫૦ જ કેન્ડિડેટ 

ગત ચૂંટણીમાં અન્ય પક્ષ-અપક્ષના ૯૮ ઉમેદવાર મેદાનમાં હતા, આ ચૂંટણીમાં માત્ર ૪૮

ભાવનગર - ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી લડવામાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં નગરસેવક બનવાના અભરખા સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. તેની તુલનામાં આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવનગર મ્યુનિસિપાલિટીની વર્ષ ૨૦૨૧માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૧ અને આપ, સીપીએમ, બસપા, વીપીપી અને અપક્ષ સહિત ૯૮ મળી કુલ ૨૧૧ ઉમેદવારે ચૂંટણી લડી હતી. તેની સામે વર્ષ ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીમાં માત્ર ૧૫૦ કેન્ડિડેટ છે. તેમાં પણ ભાજપના ૫૨ અને કોંગ્રેસના ૫૦, બસપા, સીપીએમ, આમ આદમી પાર્ટી, ઓલ ઈન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન, અન્ય પક્ષો-અપક્ષ મળી ૪૮ ચૂંટણી લડવૈયાઓ જ મેદાનમાં ઉતર્યા છે. જે ગત ચૂંટણીની તુલનામાં અર્ધો અડધ ઓછી સંખ્યા છે. ભાજપ-કોંગ્રેસ બાદ સૌથી વધુ આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં ૩૧ ઉમેદવાર ઉતાર્યા છે. ઉમેદવારોનું સંખ્યાબળ ઓછું રહેતા મુખ્ય પક્ષોને મત કપાવાની ચિંતા ઘટશે અને જીતની સરસાઈમાં ફાયદો રહેશે તેવું જણાઈ રહ્યું છે.