Gujarat

પ્રવેશ મંજૂર ન કરાતા ડિપ્લોમાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયુ

By GS Team
10 Dec 20212 mins read
This article was originally published on 10 Dec 2021
પ્રવેશ મંજૂર ન કરાતા ડિપ્લોમાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયુ

અમદાવાદ,

ડિપ્લોમા ઈજનેરીમાં વેકેન્ટ ક્વોટામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની ૩૦મી સુધીની મુદત હતી પરંતુ પ્રવેશ સમિતિના પોર્ટલમાં ખામીને લીધે કેટલાક વિદ્યાર્થીઓની એન્ટ્રી કોલેજો કરી શકી ન હતી અને મુદત પુરી થઈ જતા પ્રવેશ સમિતિએ આવા ૫૦થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ કમિશનર કચેરીના આદેશથી મંજૂર કર્યા નથી.જેને પગલે ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિએશનને ડિગ્રી પ્રવેશ સમિતિની જેમ ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા પણ રહી ગયલે એન્ટ્રી કરવાની છુટ આપવામા આવે તેવી માંગ કરી છે.

ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિએશન દ્વારા ડાયરેકટર ઓફ ટેકનિકલ એજ્યુકેશનને લેખિત રજૂઆત કરવામા આવીછે કે  દરેક કોલેજે ૩૦મી સુધી પ્રવેશ આપી દીધેલ છે અને તેની એન્ટ્રી પણ પ્રવેશ સમિતિને સુપ્રત કરી છે પરંતુ ઘણી કોલેજોમાં ભૂલથી એક-બે વિદ્યાર્થીઓના પ્રવેશની એન્ટ્રી રહી ગઈ છે. કમ્પ્યુટર જેવી બ્રાંચમાં ધસારો હોવાને લીધે ઘણી કોલેજોમાં કમ્પ્યુટર બ્રાંચ ભરાઈ હતી પરંતુ પ્રવેશ સમિતિ ખાતે વેકેન્ટ ક્વોટાના એડમિશનોની ફાઈલ જમા કરાવતા માલુમ પડેલ કે વિદ્યાર્થી એક સંસ્થામાં કમ્પ્યુટરમાં પ્રવેશ મેળવી બીજી સંસ્થામાં પ્રવેશ મેળવેલ છે.ડિગ્રી પ્રવેશ સમિતિ દ્વારા આવી એન્ટ્રી થયેલ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી એક દિવસ માટે કોલેજોને રહી ગયેલ એન્ટ્રી કરવાની છુટ અપાઈ હતી.પરંતુ ડિપ્લોમા પ્રવેશ સમિતિને આ બાબતની જાણ કરવામા આવતા સમિતિ દ્વારા એન્ટ્રી માટે છુટ અપાઈ નથી.

મહત્વનું છે કે ટેકનિકલ કમિશનર કચેરી દ્વારા પ્રવેશ સમિતિને છુટ અપાઈ નથી.આમ ડિગ્રી ઈજનેરી પ્રવેશ સમિતિના અને ડિપ્લોમા પ્રવેશ સમિતિના જુદા જુદા નિયમો છે અને ડિપ્લોમાના ૫૦થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા બાદ મંજૂર ન થતા તેઓનુ ભવિષ્ય જોખમાયુ છે.કોલેજોની ફરિયાદ છે કે સમિતિના વેકેન્ટ ક્વોટાના પોર્ટલમાં એવી ખામી છે કે કોલેજોને બેઠકો ખાલી રહી ગઈ છે અને પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ભણી પણ નથી શકતા.આ અંગે ટેકનિકલ શિક્ષણ કચેરીના જોઈન્ટ ડાયરેકટરનો સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો પરંતુ તેઓએ ફોન ઉપાડયો ન હતો.જ્યારે ડિપ્લોમા ઈજનેરીમાં હજુ પણ હજારો બેઠકો ખાલી છે ત્યારે પ્રવેશ લઈ લીધેલા વિદ્યાર્થીઓની માત્ર પોર્ટલ એન્ટ્રીની મંજૂરી આપવામા આવે તો તેઓ ભણી શકશે નહીતર તેઓએ ભણવાનું છોડવુ પડશે.