ધોળાના શખ્સને 4 લાખના ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષ કેદની સજા

- પરિવારના સભ્યોની બીમારીનું બહાનું કાઢી હાથઉછીના રૂપિયા લીધા હતા
- વળતર પેટે રૂા. 4/80 લાખ ચૂકવવા અને રકમ ન ભરે તો વધુ 60 દિવસની સજાનો હુકમ
ધોળા ગામે રહેતો નિર્મળ વિનોદભાઈ દવે નામના શખ્સે તેના પિતાની ફ્રૂટની લારીએ ખરીદી કરવા આવતા ભરતભાઈ ગોવિંદભાઈ ડાંગર (રહે, ટીંબી, તા.ઉમરાળા) પાસેથી તેના પરિવારના સભ્ય બીમાર રહેતા હોવાનું બહાનું કાઢી કટકે-કટકે ચાર લાખ રૂપિયા હાથઉછીના લીધા હતા. જે બાકીની રકમની ઉઘરાણી કરતા શખ્સે ચેક આપતા ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં ચેક વટાવવા જતાં ચેક બાઉન્સ થયો હતો. જેથી વકીલ મારફત રજી. એડીથી નોટિસ મોકલવા છતાં રકમ પરત ન કરતા નિર્મળ દવે સામે ઉમરાળાના પ્રિન્સિપાલ જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં એન.આઈ. એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેની સુનવણી હાથ ધરાતા રજૂ થયેલા આધાર-પુરાવા વગેરેને ધ્યાને રાખી ન્યાયમૂર્તિ વાય.કે.ખાંટે આરોપી નિર્મળ દવેને તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા, ચેકની રકમના ૨૦ ટકા મળી કુલ રૂા.૪,૮૦,૦૦૦ની રકમ વળતર પેટે ચૂકવવા અને જો વળતરની રકમ ન ભરે તો વધુ ૬૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.








