ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી

- ઓવરબ્રીજ ન થતા ફાટકના નડતરની સમસ્યા જૈસે થે
- દિવાળી વેકેશન દરમિયાન રોડની બંને બાજુ કલાકો સુધી જોવા મળતી વાહનોની લાંબી લાઈનો
દિવાળીના મીની વેકેશનના સમાપન દરમિયાન દરેક વખતે આ રેલવે ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો થઈ જાય છે. દિવાળી વેકેશનને લઈને વતન ઉમરાળા પંથકમાં આવેલા વાહનચાલકો અને મુસાફરો આ સમસ્યાથી હવે ગળે આવી ગયા છે.ધોળા ફાટક બંધ હોય તે વખતે હાઈવે પર ફાટકથી ઉમરાળા તરફ એક કિ.મી. દૂર આવેલા ટીંબી ગામની માનવસેવા હોસ્પિટલ સુધી અને ફાટકની બીજી બાજુ ધન ભગતની જગ્યા પાસેના બીજા ફાટક સુધી વાહનોની કતારો જોવા મળી રહી છેે.વર્ષો જુની આ સમસ્યાના ઉકેલ માટે સરકારે ધોળા નજીક રેલવે ટ્રેક પર રૂા ૨૬ કરોડથી વધુ ખર્ચનો ઓવરબ્રીજ મંજુર કર્યો અને તેનું બાંધકામ બે વર્ષ અગાઉ શરૂ થયુ હતુ અને અટકતા અટકતા ટ્રેકની એક સાઈડમાં થોડા પિલર પણ બંધાયા હતા. પણ પછી બાંધકામ લાંબા સમયથી બંધ પડયુ છે. જે ચાલુ થવા આડે કયુ વિઘ્ન નડે છે તેની કોઈને ખબર નથી. ઓવરબ્રીજનું કામ ન થવાથી વર્ષો જુની ફાટકના નડતરની સમસ્યા જેમની તેમ છે. લોકોના અમૂલ્ય સમય અને વાહનોમાં ઈંધણના બગાડની કોઈને ખેવના નથી. લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ ભેદી રીતે મૌન સેવતા હોય અથવા નિષ્ક્રિય જણાતા હોય સ્થાનિક રહિશોમાં તંત્રવાહકો સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે.









