દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું
File Photo |
Dwarka Crime: દેવભૂમિ દ્વારકામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારમાં પિતા અને બે માસૂમ બાળકોએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પિતા મેરામણ ચેતરિયાએ સૌથી પહેલાં પોતાના બે બાળકોને, પાંચ વર્ષનો દીકરો માધવ અને ત્રણ વર્ષની દીકરી ખુશીને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. ઝેરી દવાના કારણે ત્રણેય પિતા-સંતાનોનું મોત નિપજ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવારે આર્થિક સંકડામણ અથવા પારિવારિક તણાવમાં આ પગલું લીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, હાલ આ મામલે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ આ વિશે મૃતકોના પરિજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી આપઘાતના કારણ જાણવા માટેનો પ્રયાસ કરી રહી છે.