ફરજ પ્રત્યે ગંભીર બેદરકારીના કારણે એડીશનલ સિટી ઈજનેર સહીત ચાર અધિકારીઓનું એક ઈન્ક્રીમેન્ટ રોકાયું
ગોતા વોર્ડમાં કામ બંધ થતા ચોમાસામા ગટરો ઉભરાવાના પ્રશ્નો સામે આવ્યા હતા
અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ.ટી.પી.વિભાગમાં ફરજ
બજાવતા એડીશનલ સિટી ઈજનેર મહેન્દ્ર એચ નિનામા સહીત કુલ ચાર અધિકારીઓને ફરજ ઉપરની
બેદરકારી ઉપરાંત મશીનરીની કામગીરીમા તથા ટેન્ડરમાં ગેરરીતી સહીતના આક્ષેપ પુરવાર
થતા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન વિભાગ તરફથી તેમના એક ઈન્ક્રીમેન્ટને રોકવા જેવી નાની સજા
કરવામા આવી છે.ગોતા વોર્ડમાં કામ બંધ થતા ચોમાસામા ગટરો ઉભરાવાના પ્રશ્નો સામે
આવ્યા હતા.
એડીશનલ સિટી ઈજનેર સામે સુપર શકર મશીનના નવા ઓપરેશન અને
મેઈન્ટેનન્સ માટેના ટેન્ડર મોડા ઈન્વાઈટ કરવાના આરોપસર તેમની સામે વિજિલન્સ તપાસ શરુ
કરાઈ હતી.૧૦ ઓકટોબર-૨૪ના રોજ વિજિલન્સ વિભાગના રીપોર્ટ મુજબ ફરજ પ્રત્યે તેમની
ગંભીર બેદરકારી સામે આવતા શોકોઝ નોટિસ
અપાઈ હતી.કોર્પોરેશન દ્વારા સુપરશકર મશીનના ઓપરેશન અને મેઈન્ટેનન્સના મંજૂર થયેલ
મૂળ ટેન્ડરની સમય મર્યાદા ૮ માર્ચ-૨૪ના રોજ પુરી થવાની હતી.લોકસભાની ચૂંટણી
સંદર્ભમાં આદર્શ આચાર સંહીતા લાગવાની તેમને જાણ હોવા છતાં ઓપરેશન અને
મેઈન્ટેનન્સના ટેન્ડર ઈન્વાઈટ કરવા તથા મંજૂરીની પ્રક્રીયા ૬ માર્ચ-૨૪ના રોજ શરુ
કરવામા આવતા ગોતા વોર્ડમાં કામ બંધ થતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો
હતો.
૭ ફેબુ્આરી-૨૫ના રોજ એડીશનલ સિટી ઈજનેરે શોકોઝ નોટિસનો જવાબ
રજૂ કર્યો હતો.જેમાં કોઈ પુરાવા કે દસ્તાવેજ તેમણે રજૂ કર્યા નહતા.તેમનો ખુલાસો
સંતોષકારક નહી જણાતા અસ્વીકાર કરાયો
હતો.સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,
ડેપ્યુટી સિટી ઈજનેર યુ.કે.મડીયા ઉપરાંત આસિસ્ટન્ટ સિટી ઈજનેર સંજય જેઠવા, આસિસ્ટન્ટ ઈજનેર
રાજેશ પટણીને પણ એક ઈન્ક્રીમેન્ટ રોકવાની સજા કોર્પોરેશનના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન
વિભાગ દ્વારા કરવાનો હુકમ કરવામા આવ્યો છે.