Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના માછીમારોને તા. 31 જુલાઈ સુધી દરિયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર જવર પર પ્રતિબંધ

By GS Team
29 May 20202 mins read
This article was originally published on 29 May 2020
દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના માછીમારોને તા. 31 જુલાઈ સુધી દરિયાકાંઠે કે ક્રિક એરીયામાં અવર જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. 29 મે 2020 શુક્રવાર

દ્વારકા જિલ્‍લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્‍ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ મે માસથી દરીયો તોફાની થઈ જાય છે. માછીમારોને સામાન્‍ય રીતે મે માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમયુકત હોય છે. 

મત્‍સયોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને મે માસથી સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી કરવા માટે સમુદ્રમાં જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનના કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્‍યા ગયેલા માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી પુરી સંભાવના રહે છે. 

જેથી આવા માછીમારોને ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય હોય, દેવભૂમિ દ્વારકા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના દરીયા કાઠેથી કે ક્રિક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્‍ય કોઈ વ્‍યક્તિઓએ તા. 1 જુન થી તા.31 જુલાઈ સુધી માછીમારી માટે કે અન્‍ય કોઈ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરીયામાં જવા પર અને કોઇપણ બોટની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્‍યાપારીક જહાજોને, લશ્‍કરી દળો, અર્ધ લશ્‍કરી દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટો, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ દ્વારકા વચ્‍ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ પેસેન્‍જર બોટોને, નોન મોટરરાઇઝડ ક્રાફટ તથા પગડીયા માછીમારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.