Get The App

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા  ભાજપના પ્રમુખનો આપઘાત 1 - image


વડોદરાઃ સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખે પોતાના ઘરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે પોલીસ અને અન્ય લોકો પર ગંભીર આક્ષેપો લગાવતા ચકચાર મચી ગઈ છે. ૩૪ વર્ષીય પ્રફુલસિંહ સોલંકીના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આ ઘટનાને લઈને સાવલી તાલુકાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હતો

સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધનતેજના રહેવાસી પ્રફુલસિંહ સોલંકી છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેઓએ પોતાના ઘેર ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા તુર્તજ તેની જાણ ડેસર પોલીસને કરાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે જઈને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી) માં ખસેડાયો છે. તબીબી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મોતના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થશે.

હાલ સમગ્ર મામલે પરિવારજનોએ લગાવેલા આક્ષેપોને લઈને પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જેથી આક્ષેપોની સત્યતા અંગે તપાસ બાદ જ ચિત્ર સામે આવશે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોએ જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. હવે સૌની નજર પોલીસ ફરિયાદ અને તપાસ ઉપર કેન્દ્રિત થઈ છે.

પરિવારજનોના ગંભીર આક્ષેપ..પોલીસ કર્મચારીઓ માનસિક ત્રાસ આપતા હતા

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા  ભાજપના પ્રમુખનો આપઘાત 2 - imageઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. ડેસર પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.  આ કારણે તેઓ ભારે દબાણમાં રહેતા હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, 'તું ભાજપને સપોર્ટ કરતો હતો' જેવા મુદ્દાઓને લઈને પ્રફુલસિંહ સાથે વારંવાર ઝઘડા અને મતભેદો ઉભા કરાતા હતા.  સતત ચાલતા માનસિક દબાણ, હેરાનગતિ અને તણાવના કારણે જ આ અંતિમ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે.