Gujarat

ઉત્તરસંડાનું 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમ બંધ કરવા માંગ

By GS TEAM
11 Dec 20252 mins read
ઉત્તરસંડાનું 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમ બંધ કરવા માંગ

- જીપીસીબી સમક્ષ આક્રમક રજૂઆત કરાઈ 

- જોખમી મેડિકલ વેસ્ટ અને ઝેરી ધુમાડાથી ગ્રામજનોના આરોગ્ય પર જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ કરાયો

નડિયાદ : ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં આવેલા 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમ દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને કારણે ગામલોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ આ એકમ કાયમી બંધ કરાવવા માટે રજૂઆત કરી છે. જોખમી મેડિકલ વેસ્ટના ગેરરીતિપૂર્વક સંચાલન અને ચિમનીમાંથી સતત ઝેરી ધુમાડાથી સમગ્ર વિસ્તારના વાતાવરણ અને ગ્રામજનોના આરોગ્યને જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

ઉત્તરસંડા ગામના રહિશોએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જીપીસીબી અધ્યક્ષને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સર્વે નંબર ૧૮૧૭ પર આવેલા આ 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમની તેઓ છેલ્લા ઘણા વર્ષો પરેશાન છે. આ એકમ પર નિયમો વિરુદ્ધ જોખમી મેડિકલ વેસ્ટનું સંચાલન કરવાનો અને ચિમનીમાંથી સતત ઝેરી કાળો ધુમાડો છોડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકમમાંથી ફેલાતી દુર્ગંધના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ પ્રદૂષિત થયું છે, જેનાથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. 

ગામલોકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ પ્રદૂષણ બાળકો અને વૃદ્ધોના ભવિષ્ય તેમજ જીવનની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ મુદ્દે તેમણે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પર્યાવરણના નિયમોનું પાલન ન થવા છતાં આ એકમ ફરી શરૂ થઈ જાય છે, જેને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. ગામલોકોએ બોર્ડના અધિકારી તંત્રને યોગ્ય માહિતી સાથે સઘન તપાસ કરવા વિનંતી કરી છે. તેમજ 'હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ' એકમને કાયમી ધોરણે બંધ કરાવવાની હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.