Gujarat

સુરત: પાલ- પાલનપોરમાં કમિશ્નર સાથેની બેઠકમાં ફરી લૉકડાઉનની માગણી

By GS Team
22 Jul 20202 mins read
This article was originally published on 22 Jul 2020
સુરત: પાલ- પાલનપોરમાં કમિશ્નર સાથેની બેઠકમાં ફરી લૉકડાઉનની માગણી

સૌથી વધુ રહેણાંક વિસ્તારમાં સંક્રમણ જોખમકારકઃ સોશ્યલ ડિસ્ટન્સ નહીં રાખનારા લોકો યુધ્ધમાં શત્રુને સાથ આપી રહ્યાં છે  

સુરત, તા. 22 જુલાઈ 2020 બુધવાર

કોરોનાના કારણે થયેલા લોક ડાઉનમા સૌથી વધુ પાલન થયું તેવા રાંદેર ઝોનના પાલ, પાલનપોર, અડાજણ વિસ્તારમાં હાલ કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં સંખ્યાબંધ કેસ આવતાં તંત્ર ચોંકી ઉઠયું છે. 

સંપુર્ણ રહેણાંક વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોખમકારક હોવાથી સુરત મ્યુનિ. કમિશ્નર સહિતની ટીમ આ વિસ્તારમાં ઉતરી પડી હતી. લોકો સાથેની બેઠકમાં આ વિસ્તારમાં લોકડાઉન થવું જોઈએ તેવી કેટલાક લોકોએ માગણી કરી હતી પરંતુ મ્યુનિ. કમિશ્નરે લોક ડાઉન નહીં પરંતુ સ્યંમ શિસ્ત જરૂરી હોવાનું કહ્યું હતું. 


સુરત મ્યુનિ.ના રાંદેર ઝોનના પાલ- પાલનપોર અને અડાજણ વિસ્તારમાં હાલ કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ વિસ્તાર સંપુર્ણ રહેણાંક હોવાના કારણે સંક્રમણની ઝડપ વધી રહી હોવાથી આજે મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાની, મ્યુનિ.ના અધિાકરીઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ સોસાયટીના પ્રમુખ સાથે એક બેઠક કરી હતી.


આ બેઠકમાં હાલ જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તે જોતાં રાંદેર ઝોન વિસ્તારમાં ફરીથી લોક ડાઉન કરીને સંક્રમણ અટકાવી શકાય તેવો મત કેટલાક લોકોએ વ્યક્ત કર્યો હતો. 

લોકોએ દસેક દિવસના કડક લોક ડાઉનની માગણી કરી હતી પરંતુ મ્યુનિ. કમિશ્નરે લોક ડાઉન માટે સ્પષ્ટ ના કહીને સ્યંમ શિસ્ત કરી કોરોનાને હરાવવા માટેની અપીલ લોકોને કરી હતી. તેઓએ લોકોને સંબોધતાં કહ્યું હતું, સામાન્ય લાગતી ખાંસી, શરદી તાવના ઈલાજમા ત્રણ ચાર દિવસનો વિરોધ કરીશું તો ઘણું મોડું થઈ શકે અને સીધા વેન્ટીલેટર પર જવાનો વારો આવી શકે છે. 


જો તમારી આસપાસ જે લોકોને કોરોન્ટાઈન કરવામા આવ્યા છે તે કોરેન્ટાઈનનો ભંગ કરતાં હોય તો તાત્કાલિક મ્યુનિ. કે પોલીસને જાણ કરી દેવી પડશે. જો તમે કે બીજા કોઈ સોશ્યલ ડિસ્ટન્સ નથી રાખતાં તો તે કોરોના સામેના યુધ્ધમાં દુશ્મનને સાથ આપી રહ્યાં છે. 


આ ઉપરાંત હાલ સંક્રમણ વધતું હોવાથી ઘરમાંથી વડીલો કે સુગર પ્રેશર ધરાવતાં કોમોર્બિડ લોકોને ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેકે પોતાના ખિસ્સામાં સેનેટાઈઝર રાખીને વારંવાર હાથ સેનેટાઈઝ કરવા સાથે હાથ ધોવાની ટેવ પણ રાખવી પડશે.