વડોદરામાં છાણી ગામના પ્રવેશ દ્વાર નજીક બનાવેલી 10 ફુડ શોપની જાહેર હરાજી બંધ રાખવા માગણી

વડોદરા, તા. 15 ડિસેમ્બર 2021 બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી 10 ફુડ શોપ 3 વર્ષની મુદત માટે જાહેર હરાજીથી ફાળવવા માટે અરજીઓ મંગાવી છે. કોર્પોરેશન દ્વારા ત્રીજીવાર અરજીઓ મંગાવવા ની મુદતમાં વધારો કર્યો છે. ત્રણ વાર પ્રયાસ કરવા છતાં ફુડ શોપ ની હરાજી કરવામાં કોર્પોરેશનને સફળતા મળી શકી નથી.
ગયા નવેમ્બરમાં મુદત વધારીને 1 ડિસેમ્બર કરી હતી તેમાં વધારો કરીને ફરી 29 ડિસેમ્બર કરવામાં આવી છે. એ અગાઉ અરજી કરવાની મુદત 18 ઓક્ટોબર રખાઈ હતી. જ્યારે પહેલીવાર હરાજી માટે પ્રયાસ કર્યો હતો ત્યારે પણ વિરોધ થયો હતો અને હરાજી રોકવાની માગણી સાથે મેયર અને કમિશનરને લેખિત રજૂઆત કરાઈ હતી કે આ જગ્યા અખાડા માટે દાનમાં અપાઈ હતી અને કોર્ટ દ્વારા આ જગ્યા માટે હુકમ કરાયો હતો અને તેનું પાલન કોર્પોરેશન દ્વારા કરાયું નથી તેવો આક્ષેપ કર્યો હતો.
હુકમમાં 50 ટકા જગ્યા અખાડા માટે અને બાકીની 50 ટકા જગ્યા એટલે કે છ હજાર ચોરસ ફુટ જગ્યા કોર્પોરેશનને વપરાશ માટે ફાળવવા હુકમ થયો હતો. 6000 ચોરસ ફૂટ જગ્યામાં 10 દુકાનોની હરાજી કરવાને બદલે છાણી જકાતનાકા પાસે જ છે. એવું ફૂડ કોર્ટ બનાવવા રજૂઆત થઈ હતી.
દુકાન ત્રણ વર્ષની મુદત માટે આપવાની છે જેની ડિપોઝિટ અને અપસેટ વેલ્યુ રૂપિયા 1 લાખ 20 હજાર રાખવામાં આવી છે. ફૂડ કોર્ટ અને વ્યાયામ શાળા બંને ની એન્ટ્રી જુદી રાખવા હુકમ મા દર્શાવાયું છે. ભવિષ્યમાં વ્યાયામ શાળા માટે દીવાલ ઊભી કરાશે તો દુકાનો ઢંકાઈ જશે અને વેપારીઓ એ હરાજીમાં ખર્ચેલા નાણા માથે પડશે. વ્યાયામ શાળા માટે હજી જગ્યાની માપણી કરાઈ નથી.
આમ, કોર્પોરેશનની ફુડ શોપ ની હરાજી માટે ત્રીજી વાર પ્રયાસ વખતે પણ વિવાદ થયો છે. છાણી વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર આ મુદ્દે કોર્પોરેશનમાં સાંજે રજૂઆત કરવા જવાના છે અને હાઈકોર્ટ નો જે આદેશ છે તેનું પાલન કરવા માગણી કરશે અને હરાજી નહીં કરવા પણ રજૂઆત કરશે તેમ જાણવા મળ્યું છે.




