Gujarat

દિલ્હીની ઠગ મહિલા વેપારીએ ઇચ્છાપોરના કારખાનેદારને રૂ. 3.53 કરોડનો ચુનો લગાવ્યો

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
દિલ્હીની ઠગ મહિલા વેપારીએ ઇચ્છાપોરના કારખાનેદારને રૂ. 3.53 કરોડનો ચુનો લગાવ્યો

- શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસ કેળવ્યા બાદ પેમેન્ટ માટે વાયદા કર્યા, ઠગ મહિલા વિરૂધ્ધ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ નોંધાઈ હતી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર

ઇચ્છાપોરના આર.જે.ડી ટેક્સટાઇલ પાર્કના કાપડના કારખાનેદાર પાસેથી રૂ. 3.53 કરોડનું કાપડ ખરીદી પેમેન્ટ માટે હાથ ઉંચા કરનાર દિલ્હીની ઠગ મહિલા વેપારી અને તેના ભાગીદાર સહિત ત્રણ વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે. ત્રણ દિવસ અગાઉ ઠગ મહિલા વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચ પણ ફરીયાદ નોંધાય હતી.

ઇચ્છાપોર સ્થિત આર.જે. ટી ટેક્સટાઇલ પાર્કમાં અનેરી ક્રિએશન નામે કાપડનું કારખાનું ધરાવતા રમેશ ભગવાન સુરતરીયા (રહે. શાંતિવન સોસાયટી, એલ.એચ. રોડ) પાસેથી કાપડ દલાલ શાંતીલાલ કાનજી પટેલ (રહે. સી/1, 2, દ્વારકેશ એપાર્ટમેન્ટ, બોડકદેવ, અમદાવાદ) પાસેથી એ અમદાવાદના કાકરીયા રોડ પર સુમેર બિઝનેશ પાર્ક અને દિલ્હીના ઓખલા ઇન્ડસ્ટ્રીયલમાં સાંઇ ક્રિએશન નામે ધંધો કરતા અંશુબેન યોગેન્દ્ર ચૌધરી અને ચંદ્રેશ રાણીકાને કાપડ અપાવ્યું હતું. શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવ્યા બાદ ફેબ્રુઆરીથી જુલાઇ 2019 દરમિયાન ખરીદેલા રૂ. 3.53 કરોડના પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. કારખાનેદાર રમેશ સુતરીયાએ માર્કેટમાં તપાસ કરતા અંશુ ચૌધરી, ચંદ્રેશ રાણીકા અને દલાલ શાંતીલાલ પટેલે સુરતના અન્ય વેપારીઓ પાસેથી પણ કરોડો રૂપિયાનું કાપડ ખરીદી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ અંશુ ચૌધરી અને ચંદ્રેશ રાણીકા વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચમાં રૂ. 2.96 કરોડનું કાપડ ખરીદી પેમેન્ટના બદલે હવે જો ઉઘરાણી કરશો તો તમારા હાડકા ખોખરા કરાવી દઇશ, હું સ્ત્રી છું અને સ્ત્રીઓના કાયદામાં ફસાવી દઇશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ નોંધાય હતી.