Gujarat

સાબરકાંઠામાં જિલ્લાફેર બદલીને લઇ કોર્ટ કેસથી 30 શિક્ષકોને વતન વાપસીમાં વિલંબ

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
સાબરકાંઠામાં  જિલ્લાફેર બદલીને લઇ કોર્ટ કેસથી 30 શિક્ષકોને વતન વાપસીમાં વિલંબ

હિંમતનગર, તા.24

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ૧૦૦ ટકા જિલ્લાફેર બદલીનો પરીપત્ર થતાં અનેક પ્રાથમિક શિક્ષકો વતનમાં ફરજ મેળવી પરિવાર સાથે હોળી-ધૂળેટી કરે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં બદલી કેસમાં છૂટા ન કરાતાં ૩૦ થી વધુ શિક્ષકોની વતન વાપસી કેટલાક કોર્ટ કેસના કારણે વિલંબ થઇ શકે છે. આગામી તા.૪ માર્ચે હાઈકોર્ટમાં તેની સુનાવણી થઈ શકે છે.

શિક્ષકોની અછત દરેક જિલ્લામાં જોવા મળે છે પરંતુ કેટલીક શાળાઓ મર્જ કર્યા પછી ધો.૧ થી પ માં અનેક શિક્ષકો વધમાં પડયા અને તે હાલ ધો.૬ થી ૮ માં દૂર દૂરના વિસ્તારમાં ફરજ ઉપર મૂકાતાં કેટલાક શિક્ષકો કોર્ટમાં ગયા હતા અને ક્યારે ચૂકાદો આવે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ શિક્ષણ વિભાગે ૧૦૦ ટકા જિલ્લાફેર બદલીનો પરીપત્ર કરી શિક્ષકોને ખુશ કરી દીધા છે.

સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના અસંખ્ય શિક્ષકો અન્ય જિલ્લામાં ફરજ બજાવે છે અને તેમની બદલીઓ પોતાના વતનના જિલ્લામાં થઈ હોવા છતાં બદલીના નિયમોની કેટલીક જડતાના કારણે ર-૩ વર્ષથી તેમને છૂટા કરાયા ન હતા પરંતુ સરકારે ૧૦૦ ટકા જિલ્લાફેર બદલીનો પરીપત્ર કરતાં શિક્ષકોની હવે તેમની નોકરીના સ્થળના જિલ્લાથી બદલીઓના આદેશ છૂટયા છે પરંતુ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં તા.ર૪ ફેબુ્રઆરી સુધીમાં એકપણ જિલ્લાફેર બદલીનો હુકમ કચેરીને મળ્યો નથી. સાબરકાંઠામાં ૩૦ જેટલા શિક્ષકો અન્ય જિલ્લામાંથી વતન વાપસી માટે લાઈનમાં છે પરંતુ કેટલાક શિક્ષકો બદલી થયા છતાં છૂટા ન કરાતાં કોર્ટમાં ગયા હોવાના કારણે આ ચૂકાદો હવે આવે ત્યારે જ તેમને વતનનો લાભ મળી શકે તેમ છે.

અરવલ્લી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે અન્ય જિલ્લામાંથી ર શિક્ષકો ૧૦૦ ટકા જિલ્લાફેર બદલીના પરીપત્ર અનુસાર જિલ્લામાં આવશે પરંતુ હજુ તેઓનો ઓર્ડર આવ્યો નથી.