Gujarat

ભાટ કેબલ સ્ટેડ બ્રિજમાં સેન્સર ઓપરેટેડ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ લગાડવા નિર્ણય

By GS TEAM
26 Mar 20261 min read
ભાટ કેબલ સ્ટેડ બ્રિજમાં સેન્સર ઓપરેટેડ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ લગાડવા નિર્ણય

ગુજરાતમાં પ્રથમવાર પાટનગરમાં પ્રયોગ થશે

બ્રિજના સ્ટ્રક્ચરની મજબુતીમાં સામાન્ય ક્ષતિ પણ દેખાશે તો તંત્રને ઓનલાઇન જ એલર્ટ મળી જશે ઃ રૃપિયા ૨.૫૦ કરોડનો ખર્ચ થશે

 ગાંધીનગર :  ગાંધીનગર, એરપોર્ટ રોડ પર ભાટ સર્કલ પાસે નિર્માણાધીન કેબલ સ્ટેડ બ્રિજ પર બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટમ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધવું રહેશે, કે ગુજરાતમાં પ્રથમવાર પાટનગરમાં પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં રૃપિયા ૨.૫૦ કરોડના અંદાજીત ખર્ચે સક્રિય કરવામાં આવનારી આ સિસ્ટમના પગલે બ્રિજના સ્ટ્રક્ચરની મજબુતીમાં સામાન્ય ક્ષતિ પણ દેખાશે તો તંત્રને ઓનલાઇન જ એલર્ટ મળી જશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ માટે સિક્સલેન કેબલ સ્ટેડ બ્રિજ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોવાની સાથે તેની નીચેથી સિક્સલેન અન્ડરપાસ પણ આપવામાં આવનાર છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા કેબલ ચાઇના મેડ પરંતુ અમેરિકન કંપની પાસેથી ખરીદવામાં આવેલા છે. ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર બરિજની સલામતીને લઇને વધુ જાગૃત બન્યું હોવાથી ભાટ કેબલ સ્ટેડ બ્રિજ પર અત્યાધુનિક સેન્સર ઓપરેટેડ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ કે જેને બીએચએમએસના નામે ઓળખવામાં આવે છે. તે લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવ્યાના વર્ષો બાદ પણ તેની સલામતી સંબંધે કોઇ સમસ્યા ઉભી થવાની સાથે તંત્રને તેની જાણકારી મળી રહેવાથી અગમચેતીના પગલા ભરી શકાશે. જે ઉપયોગી થશે તો ભવિસ્યમાં બ્રિજના મોટા પ્રોજેક્ટસમાં પણ તેનો ઉપયોગ થશે.