Gujarat

ઉજ્જડ જમીનને ઉપજાઉ જમીન બનાવવાની યોજનાનું બાળમરણ

By GS Team
13 Feb 20222 mins read
This article was originally published on 13 Feb 2022
ઉજ્જડ જમીનને ઉપજાઉ જમીન બનાવવાની યોજનાનું બાળમરણ

રૂપાણીની યોજનાને વર્તમાન સરકારે અભેરાઇ ચડાવી

પ્રગતિશીલ ખેડૂતો માટેની રૂા.100 કરોડની યોજનાનું ફિંડલુ,  પ્રથમ તબક્કો પૂર્ણ થાય તે પહેલાં જ યોજના બંધ 

અમદાવાદ : ગુજરાતમાં  હજારો એકર વેરાન અને ઉજ્જડ જમીન બિનઉપયોગી પડી રહી છે. આ જમીનને ઉપજાઉ જમીન બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાગાયત વિકાસ મિશન હેઠળ એક યોજના બનાવી હતી.  આ યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય તે પહેલાં જ યોજનાનુ બાળમરણ થયુ છે. રાજ્યમાં 50 હજાર ઉજ્જડ જમીન ઉપજાઉ જમીન બને તે પહેલાં  જ સરકારે આ  યોજનાનુ ફિંડલુ વાળી દીધુ છે. 

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત જાન્યુઆરીમાં મોટા ઉપાડે હજારો એકર વેરાન-ઉજ્જડ જમીનોને ઉપજાઉ જમીન બનાવવાની યોજના લોન્ચ કરી હતી. સરકારે એવુ આયોજન ઘડયુ હતુંકે, વેરાન-ઉજજડ જમીનોને નજીવી રકમે 30 વર્ષના ભાડેપટે આપવામાં આવશે.

આ યોજનાને કારણે હજારો એકર જમીન ઉપજાઉ જમીન બનાવવા નક્કી કરાયુ હતું. પ્રથમ તબક્કામાં સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 50 હજાર ઉજ્જડ જમીન ભાડે પટે આપવા નિર્ણય લેવાયો હતો. કૃષિ વિભાગે આ અંતર્ગત ઠરાવ પણ બહાર પાડયો હતો. 

મુખ્યમંત્રી બાયાગત વિકાસ મિશન હેઠળની આ યોજનાનો અમલી બને તે પહેલા ંજ બાળમરણ થયુ હતું. વેરાન- ઉજ્જડ જમીન પર સુક્ષ્મ પિયત પધ્ધતિનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન ઉપરાંત આવક મેળવવાનો હેતુ હતો પણ તેના પર પાણી ફરી વળ્યુ છે તેનુ કારણ એછેકે, કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગ વચ્ચે સંકલનનો ભારોભાર અભાવ હોવાથી આ યોજના બંધ કરવી પડી છે.

વર્તમાન સરકારે હાલ આ યોજના બંધ કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની વધુ એક યોજનાને વર્તમાન સરકારે અભિરાઇ ચડાવી દીધી છે. આ મુદ્દે વિરોધ પક્ષે પણ સવાલો ઉઠાવ્યાં છે ત્યારે  જોકે, કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે ધરાર ઇન્કાર કર્યો છે. ટૂંકમાં, મોટાઉપાડે શરૂ કરાયેલી ખેતલક્ષી યોજના બંધ કરી દેવાઇ છેે. આગામી વિધાનસભા બજેટ સત્રમાં આ મુદ્દે વિરોધ પક્ષો સરકારના કાન આમળે તેવી સંભાવના છે.