Gujarat

સુરત: ઝેરી દવા પીને પોતાની પત્ની સાથે છેલ્લી ચા પીધા બાદ આધેડનું મોત

By GS Team
30 Nov 20212 mins read
This article was originally published on 30 Nov 2021
સુરત: ઝેરી દવા પીને પોતાની પત્ની સાથે છેલ્લી ચા પીધા બાદ આધેડનું મોત

સુરત, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

કતારગામમાં પતિ એ પહેલા ઝેરી દવા પીને ત્યારબાદ પત્નીને કહ્યું કે, ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉ. પરંતુ થોડીવાર બાદ આ આધેડ જમીન ઉપર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર ના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર કતારગામના મગન નગર ખાતે રહેતા ધીરૂભાઇ બચુભાઇ ઉનાગરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. થોડીવાર બાદ ધીરૂભાઇ બહાર રૂમમાં આવ્યા હતા અને પત્ની ભાવનાબેનને કહયુ કે"ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં,મેં દવા પી લીધી છે. ચા પીતાની સાથે જ ધીરૂભાઇ જમીન ઉપર ઢળી પડ્યા હતા.જેથી તેમની પત્ની એ બુમાબુમ કરતા તેમના બંને પુત્રો દોડી આવ્યા હતા અને પિતાને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે મૃતક ના પુત્ર અક્ષયએ કહ્યું કે, અમે ભાવનગરના મહુવાના વતની છે. અમે બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ. મારી માતા ઘર કામ અને પિતા ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા.

અમે બંને ભાઇઓ સૂતા હતા. વહેલી સવારે માતાએ બુમાબુમ કરી ત્યારે ખબર પડી કે પિતાની તબિયત ખરાબ છે. અમે મારા પિતાને રિક્ષામાં લઇને હોસ્પિટલ આવ્યા હતા. પરંતુ તેઓનું મોત નીપજ્યું હતું. છેલ્લા ઘણા સમયથી મારા પિતા બિમારીને કારણે અશક્ત રહેતા હતા. તેઓને મળવા માટે અમારા અનેક સંબંધીઓ આવતા હતા. પરંતુ અશક્તિના કારણે જાણે કે પિતાએ આત્મહત્યાનું વિચારી જ લીધું હોય તેમ આજે સવારે તેઓએ દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.