સ્કૂટર પર જતા સાળી બનેવીને કારચાલકે ટક્કર મારતા બનેવીનું મોત

વડોદરા,કપડાની ખરીદી કરવા જતા સાળી બનેવીને એક કારચાલકે ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતા.બનેવીને માથામાં ગંભીર ઇજા થતા તેમનું મોત નિપજ્યું છે.જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
કિશનવાડી ઝંડાચોકમાં રહેતી જાગૃતિ સુરેશભાઇ નાયક અકોટામાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.ગઇકાલે સવારે તે નોકરી પર ગઇ હતી. સાંજે પાંચ વાગ્યે તેના બનેવી કૌશિક હરિશચંદ્ર નાયક (રહે.ઉમા સોસાયટી,હાલોલ કંજરી રોડ)નો તેના પર કોલ આવ્યો હતો.બનેવીએ કહ્યું હતું કે,હું બેન્જો રિપેર કરવા આવ્યો છું.તારી બહેન માટે કુર્તી લેવા જવાનું છે.નોકરીથી છૂટયા પછી સાળી બનેવી અકોટામાં ભેગા થયા હતા.બનેવીએ તેમની કાર સાઇડમાં પાર્ક કરી દીધી હતી.અને સાળીના સ્કૂટર પર બંને લાલબાગ પાસે કુર્તી લેવા ગયા હતા.કુર્તી લઇને તેઓ પરત અકોટા આવતા હતા.તે સમયે અવધૂત ફાટક પાસે એક કારચાલકે તેઓને ટક્કર મારતા સાળી બનેવી રોડ પર ફંગોળાયા હતા.સાળી બેભાન થઇ ગઇ હતી.થોડીવાર પછી તે ભાનમાં આવતા બનેવી લોહીલુહાણ હાલતમાં હતા.તે દરમિયાન એમ્બ્યુલન્સ આવતા બંને ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ,સારવાર મળે તે પહેલા જ બનેવીનું મોત થયુ હતું.રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.




