Gujarat

12 દિવસ સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં!, હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં ભનીબેન હરેશભાઈના સર્જરી દરમિયાન મૃત્યુ બાદ, 12 દિવસ સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાતા NHRCએ ગુજરાત સરકાર પાસેથી 4 અઠવાડિયામાં ATR માંગ્યો છે. માનવ અધિકાર કાર્યકર કાંતિભાઈ પરમારની ફરિયાદ બાદ, આયોગે બંધારણની કલમ-21ના સંભવિત ભંગને ગંભીરતાથી લીધો છે. આ કાર્યવાહી ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 દિવસ સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં!, હવે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ

NHRC Issues Notice To Gujarat Govt : અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં અમરેલીના ભનીબેન હરેશભાઈના મૃત્યુ કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગુજરાત સરકાર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ (ATR) માંગ્યો છે, શાંતાબા સિવિલ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન ભનીબેન હરેશભાઈના મૃત્યુ બાદ, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જોકે ફરિયાદ મુજબ કોઈ યોગ્ય કારણ વિના મૃતદેહને 12 દિવસથી વધુ સમય સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. પરિણામે પરિવારજનો સમયસર અંતિમ સંસ્કાર કરી શક્યા નહોતા, અને તેમને ભારે માનસિક યાતના તથા અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

માનવ અધિકારના ગંભીર ભંગનો મુદ્દો ઉઠ્યો

આ સમગ્ર ઘટનાને માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘન તરીકે રજૂ કરતાં માનવ અધિકાર કાર્યકર કાંતિભાઈ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મૃતક અને તેમના પરિવાર સાથે ગૌરવપૂર્ણ વર્તન ન થવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર પાસેથી ચાર અઠવાડિયામાં ATR માંગ્યો

ફરિયાદની પ્રાથમિક નોંધ લેતાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે કેસ નં. 439/6/6/2026 હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય, અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ (Action Taken Report, ATR) રજૂ કરવાનો આદેશ કર્યો છે. આયોગે સમગ્ર મામલે રાજ્ય સરકારે અત્યાર સુધી, શું કાર્યવાહી કરી છે?, તેની વિગતવાર માહિતી માંગતા જવાબદારી નિશ્ચિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બંધારણની કલમ-21નો સંભવિત ભંગ

આયોગે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, ફરિયાદમાં ભારતના બંધારણની કલમ-21 હેઠળના ગૌરવપૂર્ણ જીવન અને ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકારના સંભવિત ઉલ્લંઘનનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. તેથી સમગ્ર ઘટનાની હકીકતો અને જવાબદાર અધિકારીઓ સામે થયેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટ અહેવાલ માંગવામાં આવ્યો છે.

અરજદારનું નિવેદન

માનવ અધિકાર કાર્યકર કાંતિભાઈ પરમારે જણાવ્યું કે, 'મૃત વ્યક્તિ અને તેના પરિવારને ગૌરવપૂર્ણ વ્યવહાર મળવો એ માનવ અધિકારનો અભિન્ન ભાગ છે. મૃતદેહને દિવસો સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવો માત્ર વહીવટી બેદરકારી નથી, પરંતુ પીડિત પરિવારના બંધારણીય અધિકારોને અસર કરતો ગંભીર પ્રશ્ન છે.' તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 'રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના હસ્તક્ષેપથી જવાબદારી નક્કી થશે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવશે.'

પીડિત પરિવાર માટે ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ભનીબેન હરેશભાઈ મૃત્યુ કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની આ કાર્યવાહી પીડિત પરિવાર માટે ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે સૌની નજર રાજ્ય સરકાર દ્વારા રજૂ થનારા એક્શન ટેકન રિપોર્ટ, (Action Taken Report (ATR) અને તેના આધારે થનારી આગળની કાર્યવાહી પર ટકેલી છે.