Get The App

દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો 1 - image

Daman Police Suspicious Boat Intercepted: દમણ પોલીસના કોસ્ટલ સર્વેલન્સ નેટવર્કે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દરમિયાન સમુદ્રી માર્ગે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા મેળવી છે. દમણથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયે દારૂની તસ્કરી કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. 

વહેલી સવારે 4 વાગ્યે શરૂ થઈ ફિલ્મી ઘટના

ગત 21 મે 2026 ના રોજ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ નાની દમણ જેટી નજીક પોલીસ કર્મચારીઓ રૂટીન પેટ્રોલિંગ પર હતા. આ દરમિયાન અંધારાનો લાભ લઈને એક શંકાસ્પદ બોટ કિનારા તરફ ચોરીછૂપીથી આગળ વધી રહી હતી. પોલીસ સ્ટાફે તુરંત એક્શનમાં આવીને આ બોટને તપાસ માટે રોકાવાનો ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોઈને બુટલેગરો ગભરાઈ ગયા હતા અને તેમણે પકડાઈ જવાના ડરથી બોટને ફૂલ સ્પીડમાં ભગાવી મૂકી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. 

ગુજરાત-મહારાષ્ટ્ર કોસ્ટલ બોર્ડર પર હાઈ એલર્ટ

આ ઘટનાની જાણ તુરંત જ દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ કોસ્ટલ પોલીસ સ્ટેશનોને મેગા કોઓર્ડિનેટેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. વિવિધ પોલીસ સ્ટેશનમાં વિશેષ ટીમો બનાવીને દરિયામાં દિવસ-રાત સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. 

આ પણ વાંચો : ડેટિંગ એપ્સ પર 'નકલી PSI' બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, AIથી બનાવતો હતો ખોટા ID

બે દિવસની જહેમત બાદ 2 શખ્સો ઝડપાયા

નાની દમણ પોલીસે સતત ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે પીછો ચાલુ રાખ્યો હતો. આખરે 22 મે 2026ના રોજ પોલીસે આ શંકાસ્પદ બોટને ટ્રેક કરીને આંતરી લીધી હતી. બોટ પર સવાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ મૂળ ગુજરાતના ગીર સોમનાથના રહેવાસી છે. 

1. હશાન અયુબ (ઉંમર 40 વર્ષ, રહે. સુથારપાડા, જિ. ગીર સોમનાથ) 

2. કાન્હાભાઈ મુશરીભાઈ વાઢવી (ઉંમર 45 વર્ષ, રહે. સુથારપાડા, જિ. ગીર સોમનાથ) 

દારૂની હેરાફેરીનો હતો મોટો પ્લાન

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને શખ્સો ગીર સોમનાથના સુથારપાડાથી બોટ લઈને દમણ આવ્યા હતા અને અહીંથી મોટા પાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરીને ફરી ગુજરાતમાં ઘુસાડવાની પેરવીમાં હતા. હાલમાં પોલીસે બોટ જપ્ત કરીને અન્ય એજન્સીઓ સાથે માહિતી શેર કરી છે અને આગળની સઘન તપાસ શરૂ કરી છે.