Gujarat

૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખાન ઝડપાયો

By GS TEAM
8 Dec 20251 min read
૪૧૬ બેંક એકાઉન્ટોના એટીએમ કાર્ડ મળ્યા હતા  બેંક એકાઉન્ટો ખોલાવી સાયબર ફ્રોડના કિસ્સામાં આખરે મોહસીનખાન ઝડપાયો

વડોદરા, તા.8 સાયબર ફ્રોડ કરતા આરોપીઓને નાણાંકીય વ્યવહારો માટે બેંક એકાઉન્ટ પૂરા પાડવાના ભાયલીના ચકચારભર્યા કિસ્સામાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર યાકુતપુરા વિસ્તારના મોહસીનખાન પઠાણને જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.

વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી હતી. તેની પાસેથી અલગ - અલગ બેંકના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળ્યા હતા. પોલીસ પૂછપરછમાં સોહિલખાન ફિરોજખાન  પઠાણ તથા મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલાના પણ નામો ખૂલતા પોલીસે તેઓને પણ ઝડપી પાડયા હતાં.

ત્રણેની પૂછપરછ કરતા એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, ગરીબ લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક, પાસબૂક, એ.ટી.એમ. કાર્ડ સાથેની કીટ એન્થની નામની વ્યક્તિને મોકલી આપતા હતા. આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા  હતા. આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળતા તેમણે ખોટી રીતે ૪૧૬ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

દરમિયાન આ ગુનામાં મોહસીનખાન ઝફરુલ્લાખાન પઠાણ (રહે.મદાર મહોલ્લો, કબ્રસ્તાનની પાસે, યાકુતપુરા)નું નામ ખૂલતા તે ઘણા સમયથી ફરાર હતો. જિલ્લાના પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી માહિતીના આધારે મોહસીનને મચ્છીપીઠના નાકા પરથી ઝડપી પાડી તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરી દીધો છે.