Gujarat

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલાઓની દોઢ કરોડના સોના સાથે ધરપકડ, દાણચોરી કેસમાં થયો મોટો ખુલાસો

By GS TEAM
1 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલાઓની દોઢ કરોડના સોના સાથે ધરપકડ, દાણચોરી કેસમાં થયો મોટો ખુલાસો

₹1.52 Cr Gold Seized Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી 1.52 કરોડ રૂપિયાની કિંમતનું 24 કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. 

બેગેજ સ્કેનિંગમાં થયો ખુલાસો 

1 ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્લાઈટ નંબર QP 564 અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી.

રોડિયમ કોટિંગની નવી મોડસ ઓપરેન્ડી

તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની 7 ચેઈન અને 7 સોનાની બંગડીઓ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે પ્રથમ નજરે સોના જેવું ન લાગે. અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે 945.57 ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું, જેની બજાર કિંમત 1.52 કરોડ રૂપિયા થાય છે.

ટ્રાવેલ એજન્ટનું કનેક્શન

પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે તેમને આપ્યું હતું. કસ્ટમ્સ વિભાગ હવે આ ટ્રાવેલ એજન્ટની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા અને ભારત વચ્ચે ચાલતા સંગઠિત સોનાની તસ્કરીના નેટવર્કમાં આ ટોળકીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું ₹17 લાખનું સોનું ઝડપાયું, કસ્ટમ્સ વિભાગની કાર્યવાહી

સમગ્ર કેસમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આ અગાઉ એજન્ટે કેટલી વાર આવી રીતે સોનાની હેરાફેરી કરી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.