Gujarat

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો

By GS TEAM
13 Sep 20251 min read
કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો

ખરીદી કરવા આવેલો ગ્રાહક ગળામાં સોનાની ચેન પહેરીને થૂકવાના બહાને બહાર નીકળીને ભાગી છુટયો

કલોલ :  કલોલના સ્ટેશન રોડ ઉપર સોનીની દુકાનમાં ખરીદી કરવા આવેલા અજાણ્યો ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી ગયો હતો વેપારીએ સોનાની ચેન બતાવતા તેણે ગળામાં પહેરી દીધી હતી ત્યારબાદ થૂંકવાના બહાને દુકાનની બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો ૧,૭૦,૦૦૦ની ચેનની ચોરી અંગે પોલીસે સોની વેપારીની ફરિયાદ લઈને તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના સ્ટેશન રોડ ઉપર આવેલા હિમાની જ્વેલર્સમાં બપોરના સમયે એક અજાણ્યો યુવક ખરીદી માટે આવ્યો હતો અને તેણે દુકાનમાં હાજર સોની વેપારીને દાગીના ખરીદવા છે તેમ કહ્યું હતું જેથી સોની વેપારીએ દુકાનમાં રહેલ ડિઝાઇન વાળું પુસ્તક બતાવ્યું હતું. ત્યારબાદ તેણે સોનાની ચેન ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી જેથી વેપારીએ તેને રૃપિયા ૧,૭૦,૦૦૦ ની ફેન્સી ડિઝાઇનની દોઢ તોલાની ચેન બતાવી હતી ત્યારે આ યુવકે તે ચેન પોતાના ગળામાં પહેરી લીધી હતી અને દુકાનમાં હાજર અરીસામાં ચેન જોઈ રહ્યો હતો ત્યારબાદ તેણે ચેનની કિંમત પૂછી હતી અને વેપારીની નજર ચૂકવી દુકાનની બહાર થૂંકવાના બહાને નીકળ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે દુકાનના માલિક દિલીપભાઈ મંગળદાસ શાહએ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.