Rajkot

જસદણની આલ્ફા સ્કૂલના સંચાલકો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
જસદણની આલ્ફા સ્કૂલમાં 10 વર્ષીય આયુષીના રહસ્યમય મોત બાદ તેના પિતાએ શાળા સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ, આલ્ફા સ્કૂલના ટ્રસ્ટીઓ જયસુખ સંખારવા અને હિરેન સંખારવા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. 11 દિવસથી બિમાર બાળકીને સારવાર ન આપવા બદલ આ કાર્યવાહી કરાઈ છે. હાલ શાળા 1 મહિના માટે બંધ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જસદણની આલ્ફા સ્કૂલના સંચાલકો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો

જસદણ: જસદણની આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતી ૧૦ વર્ષીય વિદ્યાર્થિની આયુષીના રહસ્યમય મોત બાદ ચકચાર મચી ગઈ છે. આ મામલે મૃતક બાળકીના પિતાએ શાળાના સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા, જેના પગલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટ અને પરિવારની ફરિયાદના આધારે જસદણ પોલીસે આલ્ફા સ્કૂલના બે સંચાલકો વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને સકંજામાં લેવા સાથે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
૧૧ દિવસથી બાળકી બિમાર હોવા છતાં ગંભીર લાપરવાહી દાખવનાર બે ટ્રસ્ટીઓને સકંજામાં લઈને તપાસનો ધમધમાટ
મહુવાના મોટા જાદરા ગામના વતની રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત ૨૭ એપ્રિલે આલ્ફા સ્કૂલમાં અભ્યાસ માટે મોકલી હતી. આયુષીને થોડા દિવસો પહેલા અછબડા અને તાવની તકલીફ હતી. આક્ષેપ મુજબ, બાળકી ગંભીર રીતે બીમાર હોવા છતાં સંચાલકોએ પરિવારને સમયસર જાણ કરી ન હતી અને તેને તબીબી સારવાર પણ પૂરી પાડી ન હતી. બુધવારે બપોરે સ્થિતિ ગંભીર બનતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાએ આક્ષેપ કર્યો છે કે શાળાના નિયમોના બહાને છેલ્લા બે મહિનાથી બાળકીને પરિવાર સાથે ફોન કે રૂબરૂ વાત કરવા દેવામાં આવી ન હતી. જે ગંભીર ઘટનાનાં પગલે એસપી સહિતના અધિકારીઓએ આલ્ફા સ્કૂલની મુલાકાત લઈને ઝડપી તપાસનો આદેશ આપ્યો હતો. જેના પગલે આલ્ફા સ્કૂલના સંચાલક એવા ટ્રસ્ટી જયસુખ સંખારવા અને હિરેન સંખારવા વિરુદ્ધ બીએનએસની કલમ ૧૦૫ (સાપરાધ મનુષ્ય વધ) અને ૫૪ હેઠળ ગુનો નોંધી બંનેને અટકાયતમાં લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ જોવા મળ્યું છે, જેના કારણે અનેક વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે. સંચાલકો સામે ગુનો દાખલ થતા સ્કૂલ-હોસ્ટેલને એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જસદણ પોલીસ દ્વારા આ ગંભીર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.