Gujarat

નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ

By GS Team
2 Dec 20212 mins read
This article was originally published on 2 Dec 2021
નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ

ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ 

રિવરફ્રન્ટ પર યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો ગુજરાત આવવાનું  ટાળે તેવી સંભાવના   

અમદાવાદ : આખરે નવા વેરિયન્ટ ઓેમિક્રોને ભારતમાં પ્રવેશ કરી લીધો છે. એમિક્રોનની એન્ટ્રીને પગલે  વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પર તો સંકટ  સર્જાયુ છે ત્યારે હવે રિવરફ્રન્ટ પર યોજાનારા કાઇટ ફેસ્ટિવલને ગ્રહણ લાગી શકે છે.

દર વર્ષે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન આયોજીત કાઇટ ફેસ્ટિવલમાં ફ્રાન્સ, જર્મની, જાપાન સહિતના દેશોમાંથી વિદેશી પતંગબાજો ભાગ લે છે. એટલુ જ નહીં, આકાશમાં ડ્રેગન સહિત વિવિધ આકારના વિશાળ પતંગ ઉડાડી કલા નિર્દશન કરે છે.

દર વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદ જ નહીં, સાપુતારા, માંડવી, કચ્છ સહિતના સ્થળોએ કાઇટ ફેસ્ટિવલ ઉજવાય છે.  ગુજરાતમાં અત્યારે કોરોનાના કેસો નહિવત છે. કોરોનાએ લગભગ વિદાય લીધી છે તેવુ ચિત્ર ઉપસ્યુ છે ત્યારે નવા વેરિયન્ટનો ભય ફેલાયો છે કેમકે, કર્ણાટકમાં બે કેસો નોંધાયા છે જેથી ગુજરાત સરકાર વધુ સતર્ક બની છે.

સૂત્રોના મતે, રિવરફ્રન્ટ પર આયોજીત કાઇટ ફેસ્ટિવલમાં 20થી વધુ દેશોનો આમંત્રિત કરાય છે અને 100થી વધુ વિદેશી પતંગબાજો ભાગ લે છે પણ હવે જયારે નવા વેરિયન્ટે દેખા દીધી છે ત્યારે વિદે પતંગબાજોને આમંત્રણ આપવુ જોખમી પુરવાર થઇ શકે છે. હાઇરિસ્ક દેશોમાં પતંગબાજો ગુજરાત આવવાનુ ટાળે તેવી પૂરેપુરી શક્યતા છે. આ જોતાં ગુજરાત ટુરિઝમ અત્યારે તો વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી છે.