Get The App

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી વૃક્ષોનું નિકંદન કાઢનાર

વૃક્ષોનું કટિંગ કરી બારોબાર લાકડા વેચી વનકર્મીઓએ કુલ રૂ.૩.૫૭ લાખની નાણાંકીય ઉચાપત કરી

ભાવનગર: પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામની રાજસ્થળી અનામત વીડીમાંથી એક મહિનાના સમયગાળામાં વૃક્ષોનું નિકંદન કઢી લાકડા બારોબાર વેચી દેવાના બનાવમાં પાલિતાણા રેન્જ આરએફઓએ ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત પાંચ શખ્સો સામે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ રૂ.૩.૫૭ લાખની નાણાંકીય ઉચાપત કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિતાણા રેન્જ આરએફઓ પાયલબેન જાદવજીભાઈ જોષીએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફોરેસ્ટર કરશન રૂખડભાઈ ગોહિલ (રહે.હોઈદડ), બીટગાર્ડ કલ્પેશ ધરમશીભાઈ ડાભી (રહે.નેસવડ), ટ્રકના સંચાલક બુધા સુખાભાઈ ચૌહાણ (રહે.તરસરા), ટ્રકના ડ્રાઈવર આસિફ ઉમરભાઈ શાહ (રહે.તળાજા) અને લાકડાના દલાલ મુકેશ બાંભણીયા (રહે.અખ્તરિયા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકોએ સાથે મળીને પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામની રાજસ્થળી વીડી વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરાવી રાજસ્થળી અનામત વીડીમાં પોતાને સંરક્ષણની જવાબદારી હોય તેવા અલગ-અલગ જાતના ૧૬૯૦ વૃક્ષોનું ગત તા.૧૫-૦૪-૨૦૨૬થી ૯-૫-૨૦૨૬ દરમિયાન કટિંગ કરી બારોબાર લાકડાનું વેચાણ કરી ગુનાહિત ઉચાપત કરી કુલ રૂ.૩,૫૭,૯૪૫ની નાણાંકીય ઉચાપત કરી તેમજ વૃક્ષોને જડમૂળમાંથી કાપી પુરાવાનો નાશ કરી અધિકારીઓને ખોટા માર્ગે દોર્યાં હતા. આ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.