Get The App

અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ કરતો

Updated: May 7th, 2026

GS TEAM

Google News
Google News
Crime Branch

Drug Bust In Ahmedabad: સ્ટેટ મોનિટરિંગ સેલના MD ડ્રગ્સના એક કેસમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દાણીલીમડામાંથી 468 ગ્રામથી વધુ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે આશરે 14 લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી નોમાન હબીબમીયા શેખ(ઉં.વ. 27, રહે.જુહાપુરા) છેલ્લા ઘણા સમયથી MD ડ્રગ્સનો ધંધો કરતો હતો. આ માટે તેણે દાણીલીમડાના બેરલ માર્કેટ પાસે આવેલા અલ-ફ્લાહ એપાર્ટમેન્ટમાં ભાડે ફ્લેટ રાખ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સ રાજસ્થાનના લાલાખાન નામના શખસ પાસેથી લાવતો હતો. બે દિવસ પહેલા જ લાલાખાન તેને 500 ગ્રામ MD ડ્રગ્સ આપી ગયો હતો, જેમાંથી તે દાણીલીમડા અને આજુબાજુના વિસ્તારમાં ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હતો. 

આરોપીની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, નોમાન દાણીલીમડામાં ભાડાના મકાનમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ગત 06 મેના રોજ રાત્રે પોલીસે રેડ પાડી હતી અને આરોપીની ધરપકડ કરી હતી.

આ રેડ દરમિયાન પોલીસને આરોપી નોમાન પાસેથી કુલ 468.640 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસને વજનકાંટો, ડ્રગ્સ રાખવાનો પ્લાસ્ટિકનો ડબ્બો, 6 અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળ્યા હતા. આમ, પોલીસે કુલ 14,63,320નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: 'તું બાયલા હૈ...' કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

આરોપી નોમાન શેખ રીઢો ગુનેગાર છે. તે સ્ટેટ મોનિટરિંગ સેલના વર્ષ 2025ના એક NDPSના ગુનામાં અગાઉથી જ વોન્ટેડ હતો. આ ઉપરાંત, આરોપી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ અને ચોરીના 3 ગુનાઓ તથા વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અન્ય 3 ગુનાઓ સાથે 6 ફરિયાદ નોંધાઈ ચૂકી છે.