Gujarat

આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો

By GS TEAM
18 Nov 20251 min read
આંકલાવમાં ઝાડની ડાળીઓ રસ્તા ઉપર પાથરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ સામે ગુનો

- બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકને અડચણ ઉભી કરી

- ઝાડની ડાળીઓ કોને પૂછીને કાપી, મને કેમ ન પૂછ્યું કહી મહેન્દ્ર પરમારે સાઈડમાં મૂકેલી ડાળીઓ રસ્તા પર પાથરી

આણંદ : આંકલાવના બસ સ્ટેન્ડ નજીક પાલિકા દ્વારા કાપી નાખેલી ઝાડની ડાળીઓ આંકલાવ શહેર કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા જાહેર રસ્તા ઉપર પાથરી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવામાં આવતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે કરમસદથી કેવડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે આંકલાવના બસ સ્ટેન્ડ નજીક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો છે. જેને લઇ બસ સ્ટેન્ડ નજીક આવેલા ઝાડની ડાળખીઓ નડતરરૃપ હોવાથી નગરપાલિકા દ્વારા ડાળીઓ કપાવી નાખી સાઈડમાં મૂકવામાં આવી હતી. આ અંગે આંકલાવ શહેર કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ રાવજીભાઈ પરમારને જાણ થતા તેઓ ત્યાં આવ્યા હતા અને ઝાડની ડાળખીઓ કોને પૂછીને કાપી છે હું શહેર કોંગ્રેસનો પ્રમુખ છું મને કેમ પૂછયું નથી તેમ કહી કાપી નાખેલી ડાળખીઓ બસ સ્ટેન્ડથી આંકલાવ બજાર તરફ અવર-જવર કરવાના રસ્તા ઉપર પાથરી દીધી હતી. જેને લઇ વાહન ચાલકો તથા રાહદારીઓને અડચણ પેદા થતાં આ અંગે આંકલાવ પાલિકાના કારોબારી કમિટીના ચેરમેન વિશાલકુમાર રજનીકાંતભાઈ પટેલે આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.