Gujarat

ખંભાત પાલિકાના ચીફ ઓફિસર પર હુમલા મુદ્દે 4 નગરસેવકો સામે ગુનો

By GS Team
9 Aug 20251 min read
This article was originally published on 9 Aug 2025
ખંભાત પાલિકાના ચીફ ઓફિસર પર હુમલા મુદ્દે 4 નગરસેવકો સામે ગુનો

- સાધારણ સભા તોફાની બનતા મારામારી થઈ હતી

- વિપક્ષ કોંગ્રેસના નેતા સહિત 4 કાઉન્સિલરોએ ગાળાગાળી કરી શર્ટના બટન તોડી ફરજમાં રૂકાવટ કરી

આણંદ : ભાજપ શાસિત ખંભાત નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ચીફ ઓફિસર ઉપર હુમલો કરીને ગાળાગાળી કરી સર્ટના બટન પણ તોડી નાખ્યા હતા. આ મામલે ખંભાત નગરપાલિકાના ચાર નગરસેવકો સામે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

ખંભાત નગરપાલિકાની ગુરૂવારે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી અને મારામારીની ઘટના બની હતી. જે અંગે મોડીરાત્રે ઈન્ચાર્જ ચીફ ઓફિસર કૃણાલ જશભાઈ પટેલે કોંગ્રેસના ચાર કાઉન્સીલરો વિરૂદ્ધ તેમને ધક્કે ચઢાવીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગુરૂવારે સાંજના સવા ચારેક વાગ્યાના સુમારે પાલિકાની સામાન્ય સભા પત્યા બાદ સભાખંડમાંથી ઓફિસ તરફ જતા હતા. 

ત્યારે કાઉન્સીલરો નીતીનભાઈ રઘુનાથભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ ભુરાભાઈ કડીયા, ઈફતેખાર આઈ. યમની અને હંસાબેન કંચનલાલ રાણા આવી પહોંચ્યા હતા અને દરવાજા પાસે તેમને રોકી લઈને હોબાળો કરીને ધક્કામુકી કરી ગાળાગાળી કરી હતી.

હંસાબેને તેમનો શર્ટ ખેંચીને બટન તોડી નાંખ્યું હતું. જ્યારે ચંદુભાઈએ તેમની ફેંટ પકડીને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ અંગે પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ  કર્યો હતો.