Gujarat

ગુજરાતમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોના રસીકરણનો પ્રારંભ

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
ગુજરાતમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોના રસીકરણનો પ્રારંભ

- 12થી 14 વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્સ વેક્સિનના બે ડોઝ અપાશે

- વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે

ગાંધીનગર, તા. 16 માર્ચ 2022, બુધવાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળા ખાતેથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા. 16 માર્ચ, બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત 12થી 14 વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે. 

રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્સ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તેને કોલ્ડ ચેઈન પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેને 2થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્સ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. તદ્દઅનુસાર વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આ કામગીરી આશરે 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે.

ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. 


વેક્સિનેશન કામગીરીના પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં તા. 16 જાન્યુઆરી-2021થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તેમના નેતૃત્વમાં દેશમાં તબક્કાવાર વયજૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈને કોરોના સામે રક્ષણ આપવાનું મહાઅભિયાન સફળતાપૂર્વક આગળ વધ્યું છે.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હવે તા. 16મી માર્ચ-2022થી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ છે. આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9મહિના કે 39 અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. એટલું જ નહિ, બન્ને ડોઝ જે વેક્સિનના લીધા હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે.