Gujarat

કોર્ટમાં બનાવટી સોલવન્સી રજૂ કરનારા આરોપીની આગોતરા અરજી નામંજૂર

By GS Team
20 Aug 20251 min read
This article was originally published on 20 Aug 2025
કોર્ટમાં બનાવટી સોલવન્સી રજૂ કરનારા આરોપીની આગોતરા અરજી નામંજૂર

વડોદરા : ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં બનાવટી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના બનાવમાં બે વર્ષથી ફરાર આરોપીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, સાઇબર ક્રાઇમના ગુનામાં તપાસ અધિકારીએ હરણીમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકનું એક એકાઉન્ટ ફ્રીઝ કર્યું હતું. આ એકાઉન્ટને ઓપરેટ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે અરજી મંજૂર કરી હતી અને એકાઉન્ટમાં જે રકમ જમા હોય તેટલી રકમના જામીન રજૂ કરવાની શરત રાખી હતી. અદાલતના આદેશ બાદ કોર્ટમાં સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ શંકા જતા અદાલતે તપાસનો આદેશ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું કે, મોડાસા મામલતદાર કચેરીના બનાવટી સહી-સિક્કાનો ઉપયોગ કરાયો છે.

આ અંગે અદાલતે ગુનો દાખલ કરવાનો આદેશ કરતા રજીસ્ટ્રારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ નરેન્દ્રભાઇ અમીન સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે વર્ષ કરતા વધુ સમયથી ફરાર વિશાલ અમીન સામે અદાલતે અગાઉ સીઆરપીસીની કલમ ૭૦ મુજબનું વોરંટ પણ કાઢ્યું હતું. દરમિયાનમાં આરોપી વિશાલ અમીને પોલીસથી બચવા આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, તપાસના કાગળો જોતા ગુનામાં આરોપીની સંડોવણી જણાઇ રહી છે.જામીન આપવાથી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના નકારી શકાય નહી.