વડોદરા : સંગઠીત ગેંગ બનાવી ચોરી અને લૂંટ સહિતના ૯૫ ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા માટે ૯૦ દિવસનો સમય વધારી આપવા માટે અરજી કરવામાં આવતા ન્યાયાધીશે બે મહિનાનો સમય વધારી આપ્યો હતો.
ઉલ્લેકનીય છે કે, અજયસીંગ દર્શનસીંગ દુધાણી (સીકલીગર) અને તેની
ગેંગ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને
આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં તપાસ અધિકારી દ્વારા નિર્ધારીત સમય
મર્યાદામાં ચાર્જશીટ રજૂ કરવી શક્ય ન હોવાથી, સ્પેશિયલ
પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડયા મારફતે ચાર્જશીટની મુદતમાં ૯૦ દિવસના વધારા
માટેની માંગણી કરતી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
આ અરજીની સુનાવણી હાથ ધરાતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી
કે, આ કેસમાં અત્યાર સુધીમાં ૧૪૭ નિવેદનો નોંધવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા સાક્ષીઓ અને તપાસ કરનાર અધિકારીઓના નિવેદનો બાકી
છે.કેસના સાક્ષીઓ અને તપાસ કરનાર અધિકારીઓ માત્ર વડોદરા જ નહીં પરંતુ સાબરકાંઠા,
પંચમહાલ, ગાંધીનગર અને મધ્ય પ્રદેશમાં રહે
છે. ઘણા પોલીસ અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા હોવાથી
તેમના નિવેદનો નોંધવામાં વધુ સમયની જરૃરિયાત છે. વધુમાં, આરોપીઓની
સ્થાવર-જંગમ મિલકતો, વાહનોની વિગતો અને બેંક ટ્રાન્ઝેક્શનની
તપાસ હજુ પ્રોસેસમાં છે. ચાર્જશીટ ફાઇલ કરતા પૂર્વે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી
મેળવવાની કાયદાકીય પ્રક્રિયા બાકી હોવાથી મુદત વધારો અનિવાર્ય છે.
જ્યારે જેલમાં રહેલા આરોપી અજયસીંગ સીકલીગરને વીડિયો કોન્ફરન્સ
મારફતે સાંભળવામાં આવ્યો હતો. આરોપીએ મુદત
વધારાની અરજી નામંજૂર કરવામાં આવે અને પોલીસ તાત્કાલિક ધોરણે ચાર્જશીટ રજૂ કરે
તેવી દલીલ કરી હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ તપાસ અધિકારીને
તા.૨૨ જુન ૨૦૨૬ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાનો સમય વધારી આપી ચૂકાદામાં નોંધ્યું
હતું કે,
ગુનાની ગંભીરતા અને તપાસની વિશાળતાને જોતા તપાસ અધિકારીને વધુ સમય
આપવો વ્યાજબી છે.જોકે, કોર્ટે તપાસ વહેલી પુરી થાય તો મુદતની
રાહ જોયા વિના તાત્કાલિક ચાર્જશીટ રજૂ કરવા પણ જણાવ્યું હતું.


