Gujarat

કાબૂ બહાર જઈ રહેલું કોરોના સંક્રમણ,અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં ૧૨૦૦ સાથે કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
કાબૂ બહાર જઈ રહેલું કોરોના સંક્રમણ,અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં ૧૨૦૦ સાથે કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા

અમદાવાદ,બુધવાર,5 જાન્યુ,2021

અમદાવાદ શહેરમાં નવા વર્ષનો આરંભ કોરોના વિસ્ફોટ સાથે થવા પામ્યો છે.એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના ૪૭૬૪ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે શહેરમાં કોરોનાના નવા ૧૬૩૭ કેસ નોંધાયા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૫૨ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના ૨૨ અને ઓમિક્રોનના બે દર્દી સારવાર હેઠળ છે.કોરોનાનો વિસ્ફોટ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ સોસાયટી,ફલેટ કે કોમ્પલેકસના ચેરમેન કે પ્રતિનિધિએ તમામ રહીશો કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપી છે.શહેરના જોધપુર,આનંદનગર,બોપલ ઉપરાંત શેલા,વાડજ,પાલડી સહીતના વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો છે.નવા જાહેર કરવામાં આવેલા ૨૩ માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી ૧૮ સ્થળ ઉત્તર-પશ્ચિમ,દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમના વિસ્તારનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં 1200 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.

અમદાવાદમાં કોરોનાના પાંચ દિવસમાં કોરોનાના ૩૧૨૭ કેસ નોંધાયા છે.મ્યુનિ.તંત્રે સંક્રમણને નિયંત્રિત કરવા સોસાયટી,ફલેટ વગેરેના કોવિડ કોઓર્ડિનેટરોને તમામ સભ્યોએ કોરોના રસી લીધી છે કેમ? ઉપરાંત બીજો ડોઝ બાકી હોય એવા તમામ લોકા વેકિસન લે તેની ખાતરી કરાવવાની રહેશે.માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં આવતા વિસ્તારના ઘરના તમામ સભ્યોને કન્ટેઈન્મેન્ટ અંગે માહિતગાર કરવાના રહેશે.

બુધવારે શહેરમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકો પૈકી ૪૦૧૬૪ બાળકોને કોરોના રસી આપવામાં આવી હતી.મ્યુનિ.દ્વારા મેગા વેકિસન ડ્રાઈવ અંતર્ગત ૪૭,૨૨૨ લોકોને કોરોના વેકિસનનો પહેલો તથા ૧૮૯૫૮ લોકોને રસીનો બીજો ડોઝ એમ કુલ મળીને ૬૬૧૮૦ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે નવા ૨૩ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા શહેરના કુલ ૧૦૮ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિ.તંત્રે મુકયા છે.બુધવારે ઉત્તર-પશ્ચિમ ઝોનના દસ સ્થળ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમના પાંચ સ્થળ તથા પશ્ચિમ ઝોનના ત્રણ સ્થળ ઉપરાંત મધ્યઝોનના બે,પૂર્વઝોનના બે અને ઉત્તરઝોનના એક સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા હતા.

વટવાની બેંક ઓફ બરોડાની શાખા કોરોના સંક્રમણને પગલે બંધ કરાઈ

વટવા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની શાખામાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારી કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ કરવામાં આવ્યુ છે.ખાતેદારોને બીજી સુચના ના મળે ત્યાં સુધી નજીકની શાખાનો સંપર્ક કરવા સુચના આપવામાં આવી છે.

કયા-કયા સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં?

બુધવારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આવેલા નંદનવન-૨ ઉપરાંત સ્કાલેર્ટ હાઈટસ,બોપલમાં આર્યન ગ્લોરીયા, શેલામાં ઓર્ચિડ હાર્મોની, નિકોલમાં શાંતિનિકેતન-૧,રાધે ગોવિંદ ગેલેક્ષી,હાજા પટેલની પોળ,શિવાલીક રેસિડેન્સી,શાહીબાગ,નહેરુનગર,કુબેરનગર, વાડજમાં સોમનાથનગર,પાલડીમાં મંગલતીર્થ ટાવર,આંબાવાડીમાં નયન એપાર્ટમેન્ટ,સીતાડેલ ગ્રીન,સોલા, સર્વોદયનગર-૧,ઘાટલોડીયા, તીર્થનગર વિભાગ-૧,ઘાટલોડીયા, સોંદર્ય એપાર્ટમેન્ટ,ઘાટલોડીયા,ઈસ્કોન પ્લેટિનમ,બોપલ, ગોદરેજ ગાર્ડન સિટી,ચાંદલોડીયા, રત્નમ ટાવર,બોડકદેવ ઉપરાંત સૂર્યોદય ટાવર,સોલા,કાવેરી પ્રથમ,થલતેજ તથા બાલાજી એવન્યુ,વસ્ત્રાપુરના કોરોના સંક્રમિત સ્થળને મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકયા છે.

જોધપુર,બોડકદેવ,નવરંગપુરા,પાલડી કોરોનાના હોટ સ્પોટ બન્યાં

શહેરમાં જોધપુર ઉપરાંત બોડકદેવ, નવરંગપુરા ઉપરાંત પાલડી કોરોનાના હોટ સ્પોટ બન્યા છે.જોધપુર વોર્ડમાં કોરોનાના ૧૭૮થી વધુ કેસ, બોડકદેવ વોર્ડમાં ૧૫૦થી વધુ, નવરંગપુરામાં ૧૪૫ થી વધુ અને પાલડીમાં ૬૦ થી વધુ કોરોનાના કેસ નોંધાયા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.