સરકારી કાર્યક્રમમાં લોકોના ટોળે-ટોળા, કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા

વડોદરાઃ ફરી એક વખત કોરોનાના વધી રહેલા કેસોના પગલે સરકારે લોકોને કોરોનાની ગાઈડ લાઈનનુ પાલન કરવાની સલાહ આપવા માંડી છે અને બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં સરકાર પોતે આ ગાઈડલાઈનનુ પાલન કરી રહી નથી.આખા ગુજરાતમાં સરકાર અને રાજકીય નેતાઓ વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે અને તેમાં શક્ય હોય તેટલી વધુ ભીડ ભેગી કરી રહ્યા છે.
જેનુ એક ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યુ હતુ.વડોદરામાં આજે સુશાસન સપ્તાહના ભાગરુપે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં ખેડૂત કલ્યાણ દિવસની ઉજવણી કરવા માટે સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનના ધજાગરા ઉડયા હતા.
કાર્યક્રમ બાદ હાજર રહેલા ખેડૂતો અને બીજા લોકો માટે ભોજનનુ આયોજન કરાયુ હતુ.જોકે આ દરમિયાન ફૂડ કાઉન્ટરો પર ભારે ભીડ ઉમટી પડી હતી.ખેડૂતોની જમવા માટે લાંબી લાઈનો લાગી હતી અને કોઈ પણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન થતુ નજરે પડયુ નહોતુ.જ્યારે કાર્યક્રમમાં આવેલા નેતાઓ તેમજ અધિકારીઓ માટે રુમની અંદર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.લોકો માટે કાર્યક્રમ સ્થળે જ ભોજન બનાવવામાં આવ્યુ હતુ અને ભોજન બનાવનારાઓએ પણ માસ્ક પહેર્યા નહીં હોવાનુ નજરે પડયુ હતુ.
કાર્યક્રમ દરમિયાન એક સીટ છોડીને બેસવાના નિયમનો પણ છડેચોક ભંગ થયો હતો.અહીંયા ખેડૂતો માટે એક પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ અને તેમાં પણ ટોળે ટોળા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં એક તરફ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે અને ઓમિક્રોન વેરિએન્ટના કારણે ખતરો વધી ગયો છે ત્યારે સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે તેવો સવાલ ઉઠવો સ્વાભાવિક છે.




