Gujarat

બોટાદમાં કોરોનાનો તરખાટ, વધુ 9 કેસ

By GS Team
20 Jul 20202 mins read
This article was originally published on 20 Jul 2020
બોટાદમાં કોરોનાનો તરખાટ, વધુ 9 કેસ

બોટાદ તા. 20 જુલાઈ 2020, સોમવાર 

કોરોના વાયરસે બોટાદ શહેર અને જિલ્લામાં તરખાટી મચાવ્યો છે તેથી દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. આજે સોમવારે કોરોનાનો વધુ ૯ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામેલ છે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતને કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. 

બોટાદ શહેર-જિલ્લામાં આજે સોમવારે કોરોનાના વધુ ૯ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામેલ છે, જેમાં બોટાદના તુરખા રોડ રહેતા ૭૦ વર્ષના વૃધ્ધા, ૭૮ વર્ષના વૃધ્ધા, ૭૯ વર્ષના વૃધ્ધ, ૪૬ વર્ષના આધેડ, હરણકુઈ વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષના આધેડ, પરા વિસ્તારમાં રહેતા ર૬ વર્ષના યુવાન, ભીમડાદમાં રહેતા પ૮ વર્ષના વૃધ્ધ, નિંગાળાની વાડી વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષના વૃધ્ધ વગેરે દર્દીનો સમાવેશ થાય છે. દર્દીઓની તબીયત બગડતા તબીબે શંકાના આધારે કોરોનાના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. આજે સોમવારે દર્દીઓના કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેથી દર્દીઓને તત્કાલ સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબો દ્વારા તેઓની જરૃરી સારવાર શરૃ કરવામાં આવી હતી. આ દર્દીઓને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તે જાણવા મળેલ નથી. 

દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓ રહે છે તે વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સેનેટાઇઝ, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી હતી. બોટાદમાં આજે કોરોનાના ૩ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં કોરોનાના આશરે ૧૮૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૧પ દર્દી સાજા થઈ ગયા છે, જયારે આશરે ૬૦ દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ૬ દર્દીના મોેત નિપજયા છે. કોરોનાના કેસ વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.