Gujarat

સુરતમાં કોરોના ફરી ટોપ ગિયરમાં : સિટીમાં 72, ગ્રામ્યમાં 8 મળી નવા 80 કેસ

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
સુરતમાં કોરોના ફરી ટોપ ગિયરમાં : સિટીમાં 72, ગ્રામ્યમાં 8 મળી નવા 80 કેસ

- અઠવામાં 33, રાંદેરમાં 16, કતારગામ ઝોનમાં 12 કેસ

- એક્ટીવ કેસની સંખ્યા સિટીમાં વધીને 239 તે પૈકી 14 હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત, : સુરત સિટીમાં કોરોના ફરી ટોપ ગિયરમાં આવી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધતા કેસોમાં આજે સિટીમાં વધુ 72 કેસ નોંધાયા હતા. ગ્રામ્યમાં પણ વધુ 8 કેસ નોંધાતા સુરત શહેર-જીલ્લામાં આજે નવા 80 કેસ નોંધાયા છે. સુરત સિટીમાં સૌથી વધુ 33 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે.

આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત એપ્રિલ-મે માસમાં કોરોનાના ભયાનક સ્વરૂપ બાદ તે ધીમેધીમે કાબુમાં આવ્યો હતો. પરંતુ વિવિધ સરકારી કાર્યક્રમો તેમજ ખાનગી કાર્યક્રમોમાં કોરાણે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે અને ફરી કોરોના સુરતમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. સુરતમાં બુધવારે અઠવા ઝોનમાં નવા 33 કેસ, રાંદેર ઝોનમાં કોરોનાના નવા 16 કેસ, કતારગામ ઝોનમાં નવા 12 કેસ, વરાછા એ ઝોનમાં 5 કેસ, સેન્ટ્રલ-વરાછા બી-લીંબાયત દરેક ઝોનમાં નવા 2 કેસ સાથે કુલ 72 કેસ નવા નોંધાયા હતા. એકલા સિટીમાં જ નહીં આજે ગ્રામ્યમાં પણ નવા 8 કેસ નોંધાયા હતા. તે પૈકી ઓલપાડ-કામરેજ દરેકમાં 2 કેસ અને ચોર્યાસી-પલસાણા-બારડોલી-મહુવા દરેકમાં 1 કેસ નોંધાયા હતા.

સુરતમાં વધતા કેસોની સાથે એક્ટીવ કેસની સંખ્યા પણ વધીને 239 થઈ છે. તે પૈકી 14 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી સિટીમાં કુલ કેસ 1,12,211 થયા છે. જેમાં 1630 વ્યક્તિ મોતને ભેટ્યા છે. જયારે ગ્રામ્યમાં કુલ 32,249 કેસ પૈકી કુલ 488 ના મોત થયા છે. સિટી અને ગ્રામ્યમાં કુલ 1,44,460 કેસ છે.જેમાં કુલ મૃત્યુઆંક 2118 છે. સિટીમાં 10 સાથે 1,10,342 અને ગ્રામ્યમાં 2 સાથે 31,740 મળીને કુલ 1,42,082 દર્દીઓ સાજા થયા છે.



સિટીલાઈટના સૂર્યા એન્ક્લેવમાં એક જ ઘરના પાંચ સભ્યો, વેડરોડ જીવનદીપ સોસા.માં એક જ ઘરના ચાર સભ્યો સંક્રમિત

આજ રોજ પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 5 વ્યક્તિઓ અઠવા ઝોનના સીટીલાઇટ વિસ્તારના સુર્યા એન્કલેવના એક જ ઘરના છે. જયારે 4 વ્યક્તિઓ કતારગામ ઝોનના વેડ રોડની જીવનદીપ સોસાયટીના એક જ ઘરના છે. 3 વ્યક્તિઓ રાંદેર ઝોનના આનંદમહેલ રોડ વિસ્તારના પાર્થ બંગ્લોઝના એક જ ઘરના છે. ઉપરાંત, વધુ 11 વિદ્યાર્થીઓ અનુક્રમે હાઇ હિલ્સ, ડીપીએસ, એલ પી સવાણી વેસુ, જી ડી ગોઇન્કા, ફાઉન્ટેન હેડ, સ્વામી નારાયણ એકેડમી, વલ્લભ આશ્રમ શાળાઓમા નોંધાયા છે. આજના કેસોમાં પોઝીટીવ પૈકી 3 દર્દી સિંગાપુર, મેક્સિકો, બેલજીયમના પ્રવાસેથી પરત ફર્યા તે છે.