Get The App

ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ

ત્રણ વોર્ડમાં ત્રણ ‘પગપૂરી’ ઘૂસી જતા પક્ષને નુકસાનની આશંકા વ્યક્ત કરી

ભાજપની ટિકિટ વહેંચણી પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ 1 - image

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની પ્રક્રિયાને લઈને ભાજપમાં આંતરિક કલેહ સર્જાયો છે. ચૂંટણી બાદ હવે મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદને રાજકીય મોરચે ચર્ચા જગાવી છે.

ધારાસભ્યે ઉમેદવારોની પસંદગી અંગે સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો કે, કેટલાક લોકો પક્ષ સાથે જોડાયેલા ન હોવા છતાં ટિકિટના હકદાર બની રહ્યાં છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, કેટલાક કિસ્સામાં બાળક ત્રણ ચાર વર્ષ સુધી ચાલી શકતો ન હોવાથી, જેમ બાળક ચાલવા લાગશે ત્યારે પૂરી વહેંચવાની બાધા લોકો રાખે છે, તેવી જ રીતે ભાજપમાં પણ ‘પગપૂરી’એ ઘૂસ મારી છે.

વોર્ડ નંબર ૧૭, ૧૮ અને ૧૯નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ત્રણેય વોર્ડમાં એક-એક ‘પગપૂરી’ ઘૂસી ગઈ છે. આવા લોકો ભાજપના કાર્યકર નથી, પક્ષના કામમાં દેખાયા નથી, છતાં ટિકિટના હકદાર બની ગયા છે. આવી સ્થિતિ અગાઉની ચૂંટણીમાં પણ જોવા મળી હતી અને તે કારણે પક્ષને નુકસાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ ભાજપની છબીને નુકસાન પહોંચી શકે છે.