Gujarat

ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ

By GS TEAM
3 May 20261 min read
ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની પ્રક્રિયાને લઈને ભાજપમાં આંતરિક કલેહ સર્જાયો છે. ચૂંટણી બાદ હવે મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદને રાજકીય મોરચે ચર્ચા જગાવી છે.

ધારાસભ્યે ઉમેદવારોની પસંદગી અંગે સવાલો ઉઠાવતા કટાક્ષ કર્યો કે, કેટલાક લોકો પક્ષ સાથે જોડાયેલા ન હોવા છતાં ટિકિટના હકદાર બની રહ્યાં છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, કેટલાક કિસ્સામાં બાળક ત્રણ ચાર વર્ષ સુધી ચાલી શકતો ન હોવાથી, જેમ બાળક ચાલવા લાગશે ત્યારે પૂરી વહેંચવાની બાધા લોકો રાખે છે, તેવી જ રીતે ભાજપમાં પણ ‘પગપૂરી’એ ઘૂસ મારી છે.

વોર્ડ નંબર ૧૭, ૧૮ અને ૧૯નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ત્રણેય વોર્ડમાં એક-એક ‘પગપૂરી’ ઘૂસી ગઈ છે. આવા લોકો ભાજપના કાર્યકર નથી, પક્ષના કામમાં દેખાયા નથી, છતાં ટિકિટના હકદાર બની ગયા છે. આવી સ્થિતિ અગાઉની ચૂંટણીમાં પણ જોવા મળી હતી અને તે કારણે પક્ષને નુકસાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ ભાજપની છબીને નુકસાન પહોંચી શકે છે.