Gujarat

વડોદરાના વોર્ડ નંબર-4માં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી ડોર ટુ ડોરના વાહનો ચાર્જ કરી લેતા વિવાદ

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશનની વોર્ડ નંબર 4ની કચેરીમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ કચેરીમાં જ ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી અહીં ઈ-રીક્ષા ચાર્જિંગ કરી દેવાની ગેરરીતી બહાર આવી છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વોર્ડ નંબર-4માં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી ડોર ટુ ડોરના વાહનો ચાર્જ કરી લેતા વિવાદ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની વોર્ડ નંબર 4ની કચેરીમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા વોર્ડ કચેરીમાં જ ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી અહીં ઈ-રીક્ષા ચાર્જિંગ કરી દેવાની ગેરરીતી બહાર આવી છે. જ્યારે ઇજારદાર કોર્પોરેશનમાં ડોર ટુ ડોરનું કામ લે છે ત્યારે પેટ્રોલ, ડીઝલ અથવા વાહનના ઈ-ચાર્જિંગની જવાબદારી તેના માથે હોય છે, તે બાબતથી માહિતગાર હોવા છતાં વોર્ડ કચેરીએ ઈ-ચાર્જિંગ પોઇન્ટ ઊભો કરી ત્યાં ઈ-રીક્ષા ચાર્જ કરી તેના ખર્ચનું વધારાનું ભારણ પાલિકાને માથે નાખી દેવામાં આવ્યું છે. સમગ્ર કિસ્સો સપાટી પર આવતા વોર્ડ કચેરી દ્વારા અહીંથી ચાર્જિંગ સ્ટેશન હટાવી લઈ પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો છે. જેના પરથી આ મામલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ સંકળાયેલા હોવાનો ગણગણાટ શરૂ થયો છે. 

કોર્પોરેશનને તમામ વોર્ડમાં નાગરિકોના પ્રત્યેક ઘરેથી કચરો લેવા ડોર ટુ ડોરનો ઇજારો આપ્યો છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે તાજેતરમાં કોર્પોરેશને કેટલીક ઈ-રીક્ષાનું લોકાર્પણ પદાધિકારીઓના હસ્તે કર્યું હતું. જે સાથે ડોર ટુ ડોરનું કામ કરતાં કોન્ટ્રાક્ટરને હવે મજા પડી ગઈ છે! વોર્ડ નંબર 4ની વોર્ડ ઓફિસમાં ડોર ટુ ડોરના ઇજારદારે ઇ-રીક્ષાના ચાર્જિંગ માટે આખું વીજ મીટર ઊભું કરી દીધું હતું. જે કચેરીમાં પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ અધિકારી બેસે છે તે જ કચેરીમાં ઈ-ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરે પોતાના વાહન ચાર્જ કરવાના પણ શરૂ કરી દીધા અને તે બાબતથી જાણે સમગ્ર તંત્ર અજાણ હોય તેમ ડોર ટુ ડોરના ઈજારદારને ઘણી ઇ-રિક્ષા ચાર્જ કરવાની મંજૂરી પણ આપી દીધી! સમગ્ર ઘટના મામલે સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષીએ વિરોધ કરતા આખરે અધિકારીઓએ અહીંથી ઇજારદારના ઈ-રિક્ષાના ચાર્જિંગ સ્ટેશનને હટાવવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના મામલે અધિકારીઓ માહિતગાર હોવા છતાં વોર્ડ કચેરીના કર્મચારીઓ અને સેનેટરી વિભાગના અધિકારીઓએ ડોર ટુ ડોરના ઇજારદારને છાવરવા માટે તાત્કાલિક વોર્ડ કચેરીમાંથી ઈ-ચાર્જિંગ સ્ટેશન દૂર કરી દીધું હતું. ત્યારે હવે સમગ્ર કૌભાંડ મામલે ડોર ટૂ ડોરના ઈજારદારે અત્યાર સુધી કેટલા વાહનોનું ચાર્જિંગ કર્યું અને તેનું બિલ પાલિકાના માથે થોપ્યુ? તે એક તપાસનો વિષય છે.