ભાવ વધારવા સરકાર તૈયાર ન થતાં કોન્ટ્રાક્ટર્સ રાજ્યભરમાં ટેન્ડરનો બહિષ્કાર કરશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
રોડ, રસ્તાઓ અને આવાસ સહિતના સરકારી કામો માટે વપરાતા સિમેન્ટ, સ્ટીલ, ડામર, રેતી, કપચી અને ઇંટ સહિતના મટિરિયલના ભાવ વધી જતાં ટેન્ડરના ભાવ સુધારી આપવાની કોન્ટ્રાક્ટર્સની માગણી સ્વીકારવા સરકાર તૈયાર ન હોવાથી ગિન્નાયેલા કોન્ટ્રાક્ટર્સે સમગ્ર ગુજરાતમાં સરકારી કામો માટે મંગાવવામાં આવતા ટેન્ડર જ ન ભરીને તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ટેન્ડરના કામ પૂરા કરવા માટે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ટેન્ડરના ભાવ સુધારી આપવા સહિતની મૂકેલી દરખાસ્ત અંગે સરકાર તરફથી કોઈ જ પ્રતિભાવ ન મળ્યો હોવાને કારણે તેમણે આનિર્ણય લેવો પડયો છે.
તેની સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના, રસ્તાઓ બાંધવાના, સિંચાઈ યોજનાના અને ફ્લાય ઓવર બાંધવાના કામકાજના ભાવમાં પણ વધારો માગી રહ્યા છે. ટેન્ડરમાં મૂકવામાં આવેલી એસ્કેલેશન(વધારા)ની શરત મુજબ ટેન્ડર મંજૂર થઈ ગયા પછી તેમાં ૫ ટકાથી વધારાનો ભાવ વધારો મંજૂર કરવામાં આવતો નથી. પરંતુ સ્ટીલ, સિમેન્ટ સહિતના રૉ મટિરિયલના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો આવી ગયો હોવાથી તેમને ૫ ટકાથી વધુનો ભાવ વધારો આપવાની તેમની માગણી છે.આ માગણી પૂરી કરવામાં નહિ આવે તો આ તમામ કામ પણ અટકી પડશે તેવી ચિમકી તેમણે આપી છે. ગુજરાતભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧.૫ લાખ મકાનો બાંધવા માટેના કામકાજ ચાલી રહ્યા છે. આ કામકાજો અટકી પડશે તો ૨૦૨૨ના અંત સુધીમાં દરેક ભારતીયને ઘરનું ઘર આપવાનું પ્રધાનમંત્રીનું સપનું સાકાર થઈ શકશે નહિ. એકલા અમદાવાદની જ વાત કરવામાં આવે તો નિકોલ, ઓઢવ, ચાંદખેડા, ગોતા અને સોલા વિસ્તારમાં આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના આવાસ બાંધવાના કામકાજ અટકી જશે.
ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિસેયેશને ટેન્ડરમાં કરવામાં આવેલા કરાર બાદ માર્કેટમાં જે વધારો આવ્યો છે તે રેટ પ્રમાણે તેમના ટેન્ડરના કામના દર વધારી આપવા જરુરી છે. પરંતુ સરકાર ૫ ટકાથી વધુ આપવા તૈયાર નથી. તેથી કોન્ટ્રાક્ટર્સ અકળાયા છે. તેમાંથી કમાવાને બદલે ગુમાવવાની નોબત આવી જાય તેમ હોવાથી તેનો લડત આપવા સક્રિય થયા છે. આ મુદ્દે સરકાર મચક નહિ આપે તો તમામ કામ બંધ કરી દેવાના પણ પગલાં લેવાશે. અમદાવાદના કોન્ટ્રાક્ટર્સે તો પંદર દિવસથી કામ અટકાવી દીધા છે.
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશને આ સંદર્ભમાં બાવીસમી નવેમ્બરે એક બેઠક કરીને ટેન્ડરના કામોમાં ભાવ વધારો કરી આપવાની દરખાસ્ત ગુજરાત સરકાર સમક્ષ મૂકી હતી. પરંતુ સરકાર તરફથી આ અંગે આજદિન સુધી કોઈ જ પ્રતિભાવ મળ્યો નથી. તેથી ગિન્નાયેલા કોન્ટ્રાક્ટર્સે સૌ પ્રથમ નવા ટેન્ડરની પ્રક્રિયાનો જ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું ચૅરમેન અરવિન્દ પટેલે આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીને પણ આ સંદર્ભમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ તેમને પરિણામ ન મળતાં તેમણે આજે ફરીથી મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં સ્ટીલ, સિમેન્ટ, રેતી, કપચી અને ઇંટ સહિતના કાચા માલના ભાવમાં થયેલા વધારાના પ્રશ્ને ચર્ચા કરી હતી. તેવી જ રીતે આયાતી ડામરનો જ ઉપયોગ કરવાને લગતા સરકારી ઠરાવને મુદ્દે પણ ચર્ચા વિચારણાં કરવામાં આવી તી. કોન્ટ્રાક્ટરોએ લીધેલા કામોમાં જીએસટીની વધારાની આવી પડેલી જવાબદારીને મુદ્દે પણ તેમણે ચર્ચા કરીને શિડયુલ ઑફ રેટ્સમાં સુધારો કરવાની માગણી મૂકી છે. સામાન્ય રીતે દર વરસે શિડયૂલ રેટ્સમાં ૫થી ૧૦ ટકાનો વધારો કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી શિડયુલ ઑફ રેટ્સમાં પણ કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. આ રેટ્સ પણ સુધારી આપવાની તેમણે માગણી મૂકી છે.




