Get The App

'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો 1 - image


Congress Workers Guard Strong Room in Chhota Udepur: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે.


સત્તાના દુરુપયોગનો ડર: કોંગ્રેસના કાર્યકરો બન્યા પહેરેદાર

નસવાડી તાલુકા સેવાસદન ખાતે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, ત્યાં કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી પત્યા બાદથી જ સતત નજર રાખી રહ્યા છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. ઈવીએમમાં ચોરી કે ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી અમે અહીં લોખંડી પહેરો ભરી રહ્યા છીએ.'

જિલ્લાની બેઠકોનું ગણિત

છોટા ઉદેપુર જિલ્લામાં મંગળવારે જિલ્લા પંચાયતની 32 બેઠકો, 7 તાલુકા પંચાયતની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાના 7 વાર્ડની 22 બેઠકોનું ભવિષ્ય નક્કી થશે.

તંત્ર સજ્જ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતગણતરીમાં કોઈ અવરોધ ન આવે તે માટે સ્ટ્રોંગ રૂમની નજીક જ ગણતરી સેન્ટરો ઊભા કરાયા છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ સુરક્ષાની સમીક્ષા કરી છે અને દરેક તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે મંગળવારે જ્યારે EVM ખુલશે, ત્યારે જનતાનો જનાદેશ કોની તરફેણમાં આવે છે. પરંતુ હાલ તો કોંગ્રેસના આ 'પહેરા' એ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.